- ગિરિમથક સાપુતારા ખાતે રઝળતી મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર આહવાએ પરિવાર જનો સાથે મિલન કરાવ્યું
- મહિલાનું કાઉન્સિલિગ કરી, પોલીસની મદદથી મહિલાના પરિવારની શોધખોળ કરી હતી
- સખી વન સ્ટોપ સેન્ટર આહવા દ્વારા સુરત ખાતે મહિલાના પરિવાર સાથે મિલન કરાવ્યું
ડાંગઃ જિલ્લાના સાપુતારા ખાતે રાત્રીના 9 વાગ્યાના સુમારે એક અજાણી મહિલા રઝળતી, રખડતી હાલતમા 181- અભયમની ટીમને મળી આવી હતી. જેને આહવાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામા આવી હતી. અહી આ મહિલાને આશ્રય સાથે તેણીની તબીબી સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ મહિલાનુ કાઉન્સેલિંગ હાથ ધરાયું હતું. જેમા આ મહિલા કોઈ પણ પ્રકારની માહિતી આપી શકી ન હતી.
સખી વન સ્ટોપ સેન્ટર આહવા દ્વારા મહીલાના પરિવારની શોધ કરી ઘરનો સપર્ક કર્યો
"સખી" દ્વારા આ મહિલાના પરિવારની શોધખોળ માટે આહવા પોલીસ સ્ટેશનની મદદ મેળવવામા આવી હતી. જેમાં આ મહિલાના પરિવારજનનો સંપર્ક નંબર મળી આવતા તેમને આ અંગેની જાણ કરવામા આવી હતી.
સુરતની મહિલાને તેના ઘરે પહોંચાડવામાં આવી
છેલ્લા 12 દિવસથી ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના તેણીના ઘરે સુરતથી નીકળી ગયેલી આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મયોગીઓ દ્વારા સુરત તેણીના ઘરે મૂકી આવવામા આવી હતી. જ્યાં આ મહિલાને સહી સલામત હાલતમા જોઇને તેણીના પરિવારજનોએ ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી "સખી" તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.