- ડાંગ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં કૃષિ બિલનો વિરોધ કરાયો
- મોદી સરકારનાં ત્રણ કૃષિ કાયદાઓને કોંગ્રેસે કાળા કાયદા ગણાવ્યા
- મોદી સરકાર દ્વારા હરિયાળી ક્રાંતિને ખતમ કરવાનું ષડ્યંત્રઃ કોંગ્રેસ
ડાંગઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ સાથે ડાંગમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, નવા ત્રણ કૃષિ કાયદા મારફત દેશના 62 કરોડ અન્નદાતાઓને મુઠીભર મૂડીપતિઓ નાં હાથમાં આપવા આવ્યા હતા. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા કૃષિ કાયદાઓ રદ કરવા અંગે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરી મૌખિક ચર્ચા દ્વારા ઉતાવળે ચર્ચા વગર કૃષિ બિલ તાત્કાલિક પરત ખેંચવા ડાંગ કોંગ્રેસે અપીલ કરી છે.
કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પત્રમાં લખેલ મહત્ત્વના મુદ્દાઓ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિસાન અને ખેત મજૂરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠીભર મૂડીપતિઓનાં હાથમાં ગીરવે રાખીને હરિયાળી ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષડ્યંત્ર રચ્યું છે. દેશના 62 કરોડ કિસાન-ખેતમજૂરોની જીંદગી સાથે સંકળાયેલા કાળા કાયદા પસાર કરવી લેતાં સમગ્ર દેશનાં કિસાનો ખેત મજૂરો મંડીના શ્રમિકો કર્મચારીઓ નાના ટ્રાન્સપોર્ટ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ ભભૂકી રહ્યો છે. આ ઉપરાંત કૃષિ કાયદાથી એપીએમસી નાબૂદ થશે તેમ જ એપીએમસીમાં લઘુતમ ભાવ મળશે કે કેમ ? કૃષિ કાયદાઓથી નુકસાન ખેડૂતોને ભોગવવું પડશે જેવા અનેક મુદ્દાઓ બાબતે ડાંગ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.