ડાંગ: જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ચિંચલી ગામની નદી ઉપર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વર્ષ 2017-18માં અંદાજિત 56 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલો ચેકડેમ ચોમાસાની ઋતુ બાદ હાલમાં સાવ ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યો છે.
અહીં શિયાળા અને ઉનાળાની ઋતુમાં પાણીની તકલીફ ન પડે તથા લોકો ખેતી અને પીવાના પાણી માટે ચેક ડેમનો ઉપયોગ કરી શકે તે માટે લાખો રૂપિયાના ખર્ચે આ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓ અને ઇજારદારના મેળાપણામાં આ ચેકડેમના પાયામાં વેઠ ઉતારી હોય તેમ આ ચેકડેમ બે વર્ષમાં જ લીકેજ થઈ જતાં સરકારના નાણા ચોમાસાના વહી ગયેલા પાણીની જેમ જ વહી ગયાનો દેખાઈ રહ્યું છે.
ચિંચલી ગામ ખાતે બે વર્ષ પહેલા ડેમના નિર્માણ બાદ પ્રથમ વર્ષમાં જ ડેમમાં બિલકુલ પાણીનો સંગ્રહ ન થતાં ગત વર્ષે પણ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતાં. તેમ છતાં પણ ડેમમાં પાણીનો સંગ્રહ ન થતા અધિકારીઓની કામગીરીની પોલ ખૂલી જવા પામી છે. જેથી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ પોતાની આળસ મરડીને નિર્માણ કરાયેલા ચેકડેમોની મુલાકાત લઈ કામગીરી હાથ ધરે તે જરૂરી બની ગયું છે.
આ બાબતે ગામના અગ્રણી હીરામણભાઈ સાબળે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ડેમનું પાણી લીકેજ હોવાના પગલે ભૂગર્ભમાં થઈ ઝરા મારફતે અન્ય જગ્યાએ વહી જાય છે. જે લીકેજની શોધી યોગ્ય મરામત કરાઇ તો મોટા પાયે પાણીનો સંગ્રહ થઈ શકે છે. સાથે આ ગામની નદી પર અન્ય ત્રણ ચેકડેમો આવેલા છે. એક સાત ફૂટનો જ્યારે અન્ય ત્રણ ફૂટના ચેકડેમો છે. જે ડેમોમાં પણ લીકેજ હોવાના પગલે નકામું પાણી વહી જાય છે. જેને પણ રિપેર કરવામાં આવે તો ગામના 1200થી વધુ લોકોને પીવા અને ખેતી માટે પાણીનો ઉપયોગ થઈ શકે છે.
ચેકડેમને લઇ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સંજયભાઈ ગરાસીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ચિંચલી ગામ ખાતેના ચેકડેમનાં નિર્માણ સમયે દેખરેખની જવાબદારીનો ચાર્જ અન્ય અધિકારી પાસે હતો, કદાચ પાયાનાં ડિઝાઇન સ્ટ્રક્ચરમાં ક્ષતિ હોઈ શકે છે. આ ચેકડેમનાં પાયમાં લીકેજ હોય જે લીકેજને વિભાગ દ્વારા ગત વર્ષે પણ રીપેર કરવામાં આવ્યો હતો છતાં પણ આગળ તપાસ કરીને કામગીરીના આદેશો આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પૂર્વપટ્ટી વિસ્તારમાં પાણીની ભારે તંગી ભોગવી રહેલાં લોકો ઉનાળામાં બળદગાડાં પર પાણી લઇ આવવા મજબૂર બને છે, ત્યારે ચિંચલી ગામનાં ચેકડેમનું પાણી સંગ્રહિત થાય તો ચિંચલી ગામ ઉપરાંત અન્ય ગામનાં લોકોને પણ પાણીની અછત પુરી થઈ શકે છે.