ડાંગ: જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પ્રધાન ગણપત વસાવાએ શિક્ષકદિન ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં યોજાયેલા 'બ્લડ ડોનેશન કેમ્પ'ને માનવસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું કે, શિક્ષકો, વાલી મંડળ અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને સંકલનને કારણે આજે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહ્યું છે. જીવનની દરેક સમસ્યાઓના નિરાકરણ માટે શિક્ષણ જ એકમાત્ર તરણોપાય છે.
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે અમલી 'શાળા પ્રવેશોત્સવ'ને કારણે ડાંગ જિલ્લામાં Oટેલા ડ્રોપ આઉટ રેશિયો અને બોર્ડની પરીક્ષાઓના શ્રેષ્ઠ પરિણામનો ઉલ્લેખ કરી પ્રધાને આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન શાળાઓ અને કૉલેજોની એક આખી શૃંખલા કાર્યરત થઈ હોવાનું જણાવ્યું હતું.
વધુમાં વન પ્રધાને જણાવ્યું કે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ સહિત, સમરસ હોસ્ટેલો, આદર્શ નિવાસી શાળાઓ અને છેલ્લે ટ્રાયબલ યુનિવર્સિટી પણ રાજ્ય સરકારે શરૂ કરી છે. જેને કારણે આદિવાસી સમાજમાં શિક્ષણની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત આદિવાસી સમાજની દિકરીઓના શિક્ષણ સ્તરમાં પણ વધારો થયો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોમા કર્મયોગી શિક્ષકોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, ત્યારે શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા ગુરુજનોમાંથી તમામ લોકોને પ્રેરણા લેવાની જરૂર છે.
આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ ડૉ.કે.સી.પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો પાસેથી સમાજને બહુ મોટી આશા અને અપેક્ષા છે.
કાર્યક્રમનું ઉદબોધન કરતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિરેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર રાજ્યમાં શિક્ષકો દ્વારા જરૂરીયાતમંદો માટે યોજાયેલા 'બ્લડ ડોનેશન કેમ્પ'ને શુભકામના પાઠવી, કાર્યક્રમનો હાર્દ સ્પષ્ટ કર્યો હતો.
આહવા સ્થિત ડૉ.આંબેડકર ભવન ખાતે યોજાયેલા 'શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ'ના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી મણિલાલ ભૂસારાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે સન્માન-અભિવાદન કરાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બીબી ચૌધરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષાબેન, માજી ધારાસભ્ય વિજય પટેલ, સામાજિક કાર્યકરો બાબુરાવ ચોર્યા, કરસન પટેલ, દશરથ પવાર, રાજેશ ગામીત, સંકેત બંગાળ, ગિરીશ મોદી, જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો અગ્નિશ્વર વ્યાસ અને દિનેશ રબારી, પ્રાયોજના વહીવટીદાર કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.