- જિલ્લાના પશુપાલન અધિકારી દ્વારા મરઘા ફાર્મમા સર્વે
- જિલ્લામાં કુલ 18 મરઘા ફાર્મ
- 12 મરઘા ફાર્મ કાર્યરત
ડાંગ: જિલ્લાના વધઇ ખાતે અચાનક 12 કાગડાઓના ભેદી મોત થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લામાં એકસાથે 14 જેટલા કાગડાઓ તરફડીને મોતને ભેટતા લોકોએ બર્ડ ફલૂની આશંકા જતાવી હતી. જેથી ડાંગ જિલ્લામાં લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના પશુપાલન વિભાગના અધિકારી એચ.એ.ઠાકરેના માર્ગદર્શન હેઠળ પશુચિકિત્સકોની ટીમો દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા 12 જેટલા મરઘા ફાર્મમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
મરઘા ફાર્મમાં સર્વે
ડાંગ જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારી ડૉ.એચ.એ.ઠાકરેના જણાવ્યા અનુસાર તેમની ટીમે જિલ્લાના 12 જેટલા મરઘા ફાર્મમાં સર્વે કર્યો હતો. જિલ્લામાં કુલ 18 મરઘા ફાર્મ આવેલા છે. જેમાંથી હાલમાં ફક્ત 12 ફાર્મ કાર્યરત છે. અહીં સર્વે હાથ ધરતાં આ તમામ મરઘા ફાર્મમાં એક પણ બોયલર મરઘાનું મરણ થયેલું નહીં હોવાનું જાણી હાશકારો અનુભવ્યો હતો.
વાંસદા નેશનલ પાર્કમાં પણ સર્વે
મંગળવારે પણ ડાંગ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા વાંસદા નેશનલ પાર્ક સહિત ગામડાઓમાં સર્વે હાથ ધરી લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતા. અહીં વાંસદા નેશનલ પાર્કની 3 કિ.મી ત્રિજ્યામાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.