- નેશનલ પાર્કની 3 કિમી ત્રિજ્યામાં સર્વેની કામગીરી
- જેવઘઇમાં 12 અને સાકરપાતળમાં 2 કાગડાનું મોત
- 2 મૃત કાગડાઓનાં સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામા આવ્યા
ડાંગઃ કોરોના મહામારી બાદ બર્ડ ફ્લૂ રોગનાં એંધાણ સાથે દક્ષિણ ગુજરાતમાં પક્ષીઓનું અચાનક મોત થતાં કુતુહલ જાગ્યું હતું. પક્ષીઓનાં મોત વચ્ચે ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ તથા સાકરપાતળનાં જંગલ વિસ્તારમાં 14 કાગડા મૃત હાલતમાં મળી આવ્યાં હતા. જેથી તંત્ર હરકતમાં આવ્યું છે.
![સર્વે હાથ ધરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:03:23:1610462003_gj-dang-01-sarve-vis-gj10029_12012021114504_1201f_1610432104_1004.jpg)
મૃત કાગડાના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યાં
વઘઇ તાલુકા મામલતદાર સી.એ.વસાવા,પશુપાલન અધિકારી એચ.એ.ઠાકરે અને દક્ષિણ વન વિભાગનાં નેજા હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નજીકનાં પોલટ્રી ,મરઘા ઉછરે કેન્દ્ર અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા એકમનું સર્વે હાથ ધરી રિપોર્ટને તપાસ માટે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યો છે.
![સર્વે હાથ ધરાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:03:22:1610462002_gj-dang-01-sarve-vis-gj10029_12012021114504_1201f_1610432104_283.jpg)
કાગડાઓના રિપોર્ટ આવ્યાં બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે
કાગડાઓના મોત બાબતે વઘઇ પશુચિકિત્સક ડૉ.દિવ્યાબેન ચૌધરીએ જણાવ્યુ હતું કે, વઘઇ જંગલ વિસ્તારમાં 12 મૃત કાગડા અને સાકરપાતળ જંગલ વિસ્તારમાં 02 મૃત કાગડા મળી આવ્યા હતા. આ ઘટનામાં તંત્રએ ગંભીરતા દાખવી સર્વે હાથ ધર્યો છે. મૃત કાગડાનાં સેમ્પલ લઈ ભોપાલ લેબમાં મોકલી દેવાયાં છે, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જ અત્યારના સમયે બર્ડ ફ્લૂ કે અન્ય રોગ અંગે જાણકારી તથા માર્ગદર્શન આપી આસપાસના લોકોને જાગૃત કરી તકેદારી રાખવામાં આવી રહી છે.
![મૃત કાગડા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:03:20:1610462000_gj-dang-01-sarve-vis-gj10029_12012021114504_1201f_1610432104_323.jpg)
નેશનલ પાર્કમાં સર્વે હાથ ધરવામાં આવ્યો
વઘઇમાં સરકારી ખેતીવાડી શાળાની સામે જંગલ વિસ્તારમાં અચાનક 12 કાગડા ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત સાકરપાતળમાં 2 કાગડાઓ મળી આવ્યા હતા. આ મૃત કાગડાઓના પગલે વઘઇ નજીક આવેલા વાંસદા નેશનલ પાર્કમાં તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.