છેલ્લા અઠવાડિયામાં રાજ્યભરના જિલ્લાઓમાં મોસમનો સારો વરસાદ વરસતા ધરતીપુત્રો હાલ પુરજોશમાં ખેતીના કામમાં મંડી પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસતા વરસાદને કારણે ડાંગરની રોપણીલાયક વરસાદ થતાં સારો પાક ઉતરવાની ગણતરી ખેડૂતો માંડી રહ્યા છે. જો કે, આ વર્ષે ખેતીની સિઝન લંબાઈ છે. જેના કારણે અમુક ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. કારણ ડાંગ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ફક્ત ને ફક્ત વરસાદ આધારિત ખેતી પર જ નિર્ભર હોય છે.
ડાંગ જિલ્લામાં હાલ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક વરસાદના છાંટા જ પડે છે. નદી કિનારે ખેતર ધરાવતા ધરતીપુત્રોમાં ખુશહાલી જોવા મળી રહી છે. ખેડૂતોએ રોપણીની શરૂઆત કરી છે. જ્યારે અમુક ખેડૂતો મેઘરાજાની વાટ જોઈ બેઠા હતા. તે ખેડૂતો પણ હવે રોપણીના કામમાં જોતરાઈ ગયા છે.
ડાંગના આદિવાસી લોકો મોટાભાગે ચોમાસામાં ડાંગરની ખેતી કરતા હોય છે. જ્યારે અન્ય પાકોમાં નાગલી, વરાઈ, મકાઈ, અડદ વગેરે હોય છે. ફક્ત આકાશી ખેતી પર નભતા ખેડૂતો વરસાદ લંબાવાને કારણે ચિંતાતુર બન્યા હતા, પરંતુ હાલ વરસાદ ચાલુ થતા ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો છે. ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાના આહવા અને વઘઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.