- ડાંગ જિલ્લામાં રાજયકક્ષાની કબડ્ડીનું આયોજન
- સબ જુનિયર 16 વર્ષથી નીચેનાં ભાઈઓ-બહેનોની રમતનું આયોજન
- વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામે 13,14 માર્ચના રોજ રમત યોજાશે
ડાંગ: જિલ્લામાં રમત-ગમત ક્ષેત્રે યુવાઓની રૂચિ વધે તે માટે તંત્ર કટિબદ્ધ છે. ડાંગ જિલ્લામાંથી વિશ્વ ફલક ઉપર નામ રોશન કરનાર આંતરરાષ્ટ્રીય દોડવીર સરીતા ગાયકવાડ અને મુરલી ગાવીત આજે યુવાઓમાં મન મક્કમ હોય તો માળવે જવાની પ્રેરણા પુરી પાડે છે.
આ પણ વાંચો: ગુરુ વિના જાતે કબડ્ડી શીખેલા આધુનિક યુગનો એકલવ્ય, અરવલ્લીનો પાર્થ રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો
કબડ્ડી એસોસિએશને કર્યુ કબડ્ડીનું આયોજન
ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશને રાજયકક્ષાની કબડ્ડી રમતનું આયોજન કરવામાં આવેલું છે. વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામે સબ જુનિયર ( 16 વર્ષથી નાનાં) ભાઈઓ- બહેનો માટે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કબડ્ડી સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં 25 જેટલા જિલ્લાઓનાં બાળકો ભાગ લેવાના છે. 13 અને 14 માર્ચનાં રોજ યોજાનારી આ સ્પર્ધામાં ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ડાંગ જિલ્લાનાં બે વિદ્યાર્થીઓ નેશનલ લેવલે પસંદગી પામ્યાં
આ પહેલા ગુજરાતનાં વડોદરામાં યોજાયેલી રાજયકક્ષાની અન્ડર 19 ભાઈઓ - બહેનોની કબડ્ડી સ્પર્ધામાં ડાંગ જિલ્લામાંથી ભાઈઓમાં રાઉત સૂર્યવીર કાશીરામભાઈ (મુ.ડોકપાતળ. તા.વઘઇ) તથા બહેનોમાં જાદવ રવીનાબેન જગન્નાથભાઈ (મુ.સાકરપાતળ તા.વઘઇ)ની નેશનલ લેવલે પસંદગી થઈ છે. જેઓ આવનારા સમયમાં હૈદરાબાદમાં નેશનલ લેવલની કબડ્ડી રમતમાં ભાગ લેશે. ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશનનાં પ્રમુખ સુભાષભાઈ ગાઈન, ઉપપ્રમુખ કિશોરભાઈ ગાવીત, ખજાનચી મંગલેશભાઈ ભોયે, મંત્રી પ્રદીપકુમાર મોર્યએ આ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના બે રમતવીરોએ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ કર્યું રોશન
વિજેતા બને તેવી શુભકામનાઓ આપી
13-14મી માર્ચનાં રોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સાકરપાતળ ગામમાં યોજાનારી રાજયકક્ષાની કબડ્ડી સ્પર્ધા બાબતે ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશનનાં પ્રમુખ સુભાષભાઈ ગાઈન અને ઉપપ્રમુખ અને આયોજક કિશોર ગાવીતે જણાવ્યું હતું કે, કબડ્ડી રમવા માટે ગુજરાતનાં બાળકોને તેઓ આમંત્રણ આપે છે તેમજ રમતવીરો ખેલદિલી પૂર્વક રમત રમીને વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.