આહવાઃ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ નડગચોંડ ગામનાં ૩૫ વર્ષિય આધેડ મહાદયાભાઇ ગંગારામભાઇ જાદવ જેમને ગતરોજ શ્વાસ લેવામા તકલીફ, ગળુ સુકાઇ જવુ અને ઝીણો તાવ જણાતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શામગહાન સી.એચ.સીમાં ખસેડવાવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબીયત સારી ન જણાતા તેને આહવા સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આહવા સિવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રીના અરસામાં આ આધેડનું મોત થતા તંત્ર તથા ડૉક્ટરોમાં દોડધામ મચી ગઈ છે. આ વ્યક્તિ લોકડાઉન પહેલાં મજુરીનાં કામઅર્થે મહારાષ્ટ્રમાં ગયો હતો.લોકડાઉન જાહેર થતા વતન નડગચોંડ ગામમાં પરત ફર્યો હતો.
આ બાબતે સિવીલ હોસ્પિટલ આહવાનાં સિવિલ સર્જન રશ્મિકાંત કોંકણીએ જણાવ્યુ હતુ કે, મંગળવારે રાત્રી દરમ્યાન શ્વાસોશ્વાસની તકલીફ વધી જતા સારવાર હેઠળ આધેડનું મોત નીપજ્યુ હતું. આ વ્યક્તિમાં 99 ટકા કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાયેલા નથી. તેમ છતા તપાસ માટે મૃતકનાં તમામ સેમ્પલો અને રિપોર્ટ મેડીકલ કોલેજ સુરત ખાતે મોકલવામાં આવ્યા છે. વધુમાં ગતરોજથી આ માણસની સારવાર કરનાર ડોકટરોને પણ હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.