આહવાઃ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વધઇ ખાતે આવેલી વસુંધરા ડેરીનાં ટ્રક ડ્રાઇવરનું આજે અચાનક મોત નીપજ્યું હતું. ટ્રક ડ્રાઇવરનાં મૃતદેહને 108 મારફતે વઘઇ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ મોતનું કારણ રહસ્ય મય બની રહ્યું છે.
આ ટ્રક ડ્રાઇવર દૂધનું વાહન લઇ આલીપોર ચિખલી જવા નીકળ્યો હતો, આ અરસામાં ટ્રક ડ્રાઇવરે આરામ ફરમાવવા માટે વધઇ-વાંસદાનાં મુખ્ય રોડ ઉપર આવેલ વિજય હોટેલ પર ટ્રકને ઉભી રાખી હતી. અહીં આરામ કરી રહેલ ડ્રાઇવરનું અચાનક રહસ્યમય રીતે પ્રાણ પંખેરૂ ઉડી જતા હોટેલ સ્ટાફ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો.
આ ડ્રાઇવરનાં મૃતક શરીરને 108 મારફત વધઇ સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે લઇ જવામાં આવ્યો હતો. મોતનું કારણ હજી સામે આવ્યું નથી, પીએમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ બહાર આવશે. આ ઘટના અંગે વધઇ પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.