ડાંગ : કોરોના કહેર વચ્ચે માનસિક આઘાત અને હતાશાના માહોલમાં કેટલાક લોકો તણાવનો શિકાર થઈ રહ્યા છે, ત્યારે વિપદાની આ વેળાને અવસરમાં પલટીને સુવર્ણ ભવિષ્ય માટે માનસિક અને શારીરિક સજ્જતા કેળવવા કેટલાક વીરલાઓ પણ આપણી આસપાસ નજર કરતા મળી આવે છે.
ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવીત લોકડાઉનના કારણે ઘરે જ ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે ઓલિમ્પિકની તૈયારી :
- ડાંગ એક્સપ્રેસ કરી રહ્યો છે ઓલિમ્પિકની તૈયારી
- ભારતનાં ટોપ 3 બેસ્ટ લોંગ ડિસ્ટન્સ રનરમાં મુરલી ગાવીતનો સમાવેશ થાય છે
- એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવી ડાંગનું નામ દુનિયાભરમાં પ્રસિદ્ધ કર્યું છે
- લોકડાઉનના કારણે તે ઘરે જ પ્રેક્ટિસ કરી રહ્યો છે
- શક્તિદૂત પ્લેયર એવા આ દોડવીર રોજનું 25થી 30 કિલોમીટર નિયમિત રનીંગ કરે છે
જિલ્લાના આવા જ એક અનમોલ રતન એવા આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીતે પણ કોરોના કાળને પગલે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં પોતાના વતનમાં આવીને ભવિષ્યની કોમ્પિટિશન માટે પોતાની કાયા કસીને માનસિક અને શારીરિક સજ્જતા કેળવવા સાથે અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે.
ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવીત ગત તારીખ 5મી જૂનના રોજ કેન્યાથી મુંબઈ આવીને સાત દિવસ મુંબઈ ખાતે, ત્યાંથી વલસાડ આવી બીજા સાત દિવસ સરકારી કોરેન્ટાઇનમાં રહી તેના વતન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુમારબંધ ખાતે બીજા સાત દિવસ ઘરે રહીને 19 જૂનથી તેની કાયાને કસી રહ્યો છે.સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના શક્તિદૂત પ્લેયર એવા આ દોડવીર રોજનું 25થી 30 કિલોમીટર જેટલું નિયમિત રનીંગ કરીને આગામી ટૂર્નામેન્ટ માટે તૈયાર થઈ રહ્યો છે. મુલાકાતમાં દરમિયાન મુરલી ગાવીતે જણાવ્યું હતું કે, દુનિયામાં આજે ચારે તરફ હતાશા અને નિરાશાનો માહોલ પ્રવર્તી રહ્યો છે, ત્યારે કંઈક હકારાત્મક કરવાનો વિચાર મનમાં આવી રહ્યો હતો. લોકડાઉનને કારણે બીજું કંઈ કરી શકાય તેમ પણ નથી, ત્યારે પોતાને ફિટ રાખવાથી બીજો કોઈ વિકલ્પ નથી અને હાલ ગામમાં હું આ તૈયારી કરી રહ્યો છું.આંતરરાષ્ટ્રીય કોચ હ્યુગો વન દે અને ભારતીય કોચ મોહન મોર્યાના ઓનલાઇન માર્ગદર્શન હેઠળ ડાંગના ડુંગરા ખુદતાં આ યુવાને આજદિન સુધી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ ગોલ્ડ મેડલ સાથે ત્રણ જેટલા આંતરરાષ્ટ્રીય પારિતોષિકો ભારતના નામે કરીને રૂપિયા 30 લાખથી વધુની રાશિ મેળવી ડાંગ એક્સપ્રેસનું બિરુદ મેળવ્યું છે.5 અને 10 કિલોમીટરની લાંબી દોડમાં ભાગ લઈ રહેલો આ યુવાન આગામી દિવસોમાં 21 અને 42 કિમીની મેરેથોનમાં ભાગ લેવા સાથે આદિવાસી પ્રદેશના યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકાય તે માટે ભવિષ્યમાં અકાદમી સ્થાપવા જેવા ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. લોકડાઉનના આ સમયગાળા દરમિયાન આ ખેલાડીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે.ભારત સરકારના 'વંદે ભારત મિશન' અંતર્ગત સ્પેશિયલ ફ્લાઈટમાં સ્વદેશ આવેલા મુરલી ગાવીતે ટોક્યો ઓલમ્પિક, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ડાંગનો આ યુવાન તેની નજર સામે 5 કિલોમીટરની સ્પર્ધા માટેનો વર્લ્ડ બેસ્ટ ટાઇમ 13:29 મિનિટ અને 10 કિલોમીટર માટેનો 28:02 મિનિટનો ટાઈમિંગ સેટ કરીને ડાંગના ડુંગરાઓ ખુંદી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુરલી ગાવિતનો બેસ્ટ ટાઇમ 5 કિલોમીટરની રેસમાં 13:48 અને 10 કિલોમીટરની રેસમાં 28:38 મિનિટનો છે. તે ભારતના ટોપ 3 બેસ્ટ લોંગ ડિસ્ટન્સ રનરમાં સ્થાન ધરાવે છે.
વધુમાં મુરલી ગાવીતે જણાવ્યું હતું કે, લોકડાઉન અને અનલોકના સમય બાદ તે ફરીથી તેના સ્પોર્ટ્સ હોસ્ટેલ ભોપાલ ખાતે આગામી ઇવેન્ટ સુધી વધુ પ્રેક્ટિસ કરશે, ત્યાં સુધી તેના ઘરના 12 સભ્યોના મોટા પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાની મળેલી તક સાથે તેની કાયાને કસવાનો ઉત્તમ અવસર મળી રહ્યો છે.