- ડાંગમાં કોંગ્રેસ સંપૂર્ણપણે સમાપ્ત થઈ રહ્યાનું ચિત્ર સ્પષ્ટ
- ગત 6 મહિનામાં તમામ કોંગ્રેસના દિગજ્જ નેતાઓ ભાજપમાં જોડાયા
- 3 જિલ્લા પંચાયતના સદસ્યો, 1 તાલુકા સદસ્ય અને સરપંચ ભાજપમાં જોડાયા
ડાંગ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. વિધાનસભા પેટા ચૂંટણી પહેલા ધારાસભ્ય મંગળ ગાવીત ત્યાર બાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પ્રમુખ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. જે બાદ મોટા ભાગના સરપંચોએ ભાજપના વિકાસને જોઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી કોંગ્રેસની જૂની વિચારધારાને રામ રામ કરીને ભાજપના વિકાસ રથમાં સવાર થયા છે.
જિલ્લા અને તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યોએ ભગવો ધારણ કર્યો
ડાંગ જિલ્લાના સુબીર ખાતે પ્રધાન ગણપત વસાવા અને ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરાજીયાની ઉપસ્થિતિમાં સુબીર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યશોદા રાઉત, જિલ્લા પંચાયતના 3 સભ્યો તેમજ સુબીર, સેપુઆંબા અને કેશબંધ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના તમામ સભ્યો ભાજપમાં જોડાયા હતા. પ્રધાન ગણપત વસાવાએ તમામ લોકોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો.
ગત મહિનાઓથી કોંગ્રેસના તમામ દિગજ્જ નેતાઓએ ભગવો ધારણ કર્યો
ડાંગમાં ગત 6 મહિનામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સહિત હજારોની સંખ્યામાં લોકોએ ભાજપનો ખેસ પહેરી લેતા હવે કોંગ્રેસમાં આંગળીના વેઢે ગણાય એટલા કાર્યકરો રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસના સુપડાસાફ થઈ જાય તો નવાઈ નહીં.