આહવાઃ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા ભારત સરકારના આયુષમાન મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર સમગ્ર ડાંગ જિલ્લામાં આયુર્વેદિક ઔષધિય ઉકાળા,સંશમની ટેબ્લેટ તેમજ ડ્રાય ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.બર્થા પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ડાંગ જિલ્લામાં ઔષધિય ઉકાળાનું વિતરણ ચાલુ છે. અત્યાર સુધીમાં 846 જેટલા કેમ્પો યોજીને 3,42,585 લોકોએ તેનો લાભ લીધો છે. 16,112 લોકોને સંશમની ટેબ્લેટ વિતરણ કરાઇ છે. તથા 1,496 લોકોને ડ્રાય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં 6 જેટલા સરકારી આયુર્વેદિક દવાખાનાઓના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ આવરી લેવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ અને કવોરન્ટાઇન હેઠળના વિસ્તારોમાં પણ આયુર્વેદિક ઉકાળો લાભાર્થીઓ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.
ડાંગ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસને અટકાવવા તમામ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસ કોવિડ 19 ના સંક્રમણને અટકાવવા ભારત સરકારના આયુષમાન મંત્રાલયના દિશાનિર્દેશ હેઠળ આયુર્વેદિક હોસ્પિટલ,આહવા તથા આયુર્વેદિક દવાખાના માનમોડી, રંભાસ, ચિંચલી, ગલકુંડ, પાંડવા, બરડીપાડા અને સરકારી હોમિયોપેથિક દવાખાનુ આહવા દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.