ડાંગઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અંગે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે ચૂંટણીની તારીખોને લઇને ડાંગ જિલ્લામાં ભાજપ અને કોંગ્રસ પક્ષનાં સંભવીત ઉમેદવારનાં નામોની પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનો દાવો છે કે, ભાજપ પક્ષમાંથી તેમને ટિકિટ મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજ્યની 8 વિધાનસભા માટેની પેટા ચૂંટણી અંગેની જાહેરાત કરતા ભાજપા અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. ડાંગ 173 વિધાનસભાની બેઠક માટે કોંગ્રસ અને ભાજપ પક્ષમાંથી સંભવીત નામોની લોકોમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષમાં હતા પરંતુ જિલ્લાનો વિકાસ ન થતો હોવાનું જણાવી અચાનક રાજીનામુ ધરી દેનારા ડાંગ કોંગ્રસનાં કદાવર નેતા અને ભાજપનાં કટ્ટર વિરોધી મંગળભાઈ ગાવીતે દાવો કર્યો છે કે, ભાજપ પક્ષ તેમને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ટિકીટ આપી શકે છે.
મંગળભાઈ ગાવીતે વિસ્વાસ વ્યક્ત કર્યો છે કે, ચોક્કસથી ભાજપ તેમને જ ટિકીટ આપશે. જો મંગળભાઇ ગાવીતની વાત કરીએ તો તેઓ છેલ્લા 38 વર્ષથી કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. સરપંચથી શરૂ કરેલા રાજકીય કારકિર્દીમાં તેઓ તાલુકા જિલ્લા લેવલે પ્રમુખ તથા જિલ્લા લેવલે વિરોધ પક્ષનાં નેતા તેમજ બે વખત ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે.
રાજ્ય સભાની ચૂંટણીને લઈને આ કદાવર નેતાએ અચાનક રાજીનામુ ધરી દીધુ હતુ. જેમા સત્તા પક્ષે ના હોવાથી ડાંગનો વિકાસ ન થવો અને કૉંગ્રેસનાં નેતાઓનાં આંતરીક વિખવાદથી રાજીનામુ આપ્યુ હોવાનું બહાનુ કાઢ્યુ હતુ. જે બાદ મંગળભાઈ ગાવીતે ભાજપ અથવા અપક્ષ તરીકે ચૂંટણી લડવાનાં બણગા ફૂંક્યા હતા. હાલ ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને વારંવાર બન્ને પક્ષની બુથ લેવલે બેઠકો યોજાઇ હતી.
જેમાં પડદા પાછળ મંગળ ગાવિત ભાજપ પક્ષે જોવા મળ્યા હતા. તેઓએ જાતે કેસરીયો ધારણ નથી કર્યો તેમના સમર્થકોને કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં કેસરીયો રંગ ધારણ કરાવ્યો હતો. ગુરૂવારના રોજ તેઓએ મીડિયા સાથે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ પક્ષ જ તેમને ટિકીટ આપી શકે છે. અને તેઓ હજારોની સંખ્યામાં તેમના સમર્થકોને ભાજપ પક્ષમાં લાવી શકે છે. જ્યારે પાર્ટી તેમને કહેશે, ત્યારે તેઓ ભાજપમાં જોડાવા તૈયાર છે. વધુમાં તેઓએ અપક્ષમાં ચૂંટણી લડવા અંગેની અટકળો વિશેની વાતને અફવા ગણાવી હતી.
પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત રાજીનામા બાદ પણ ડાંગનાં ખૂણે ખૂણે નાના બાળકોથી લઇ વડીલોમાં પોતાની લોકચાહના ધરાવે છે. તેમ છતા ભાજપ પક્ષમાં કદાવર નેતાઓને જો ટિકિટ નહીં મળે તો તેઓ નીરાશ થઇ શકે છે. એકતરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષ પલટુ ધારાસભ્યોને વિશ્વાસ વગરનાં ગણાવ્યા છે.
જે અંગે અનેક નિવેદનો સામે આવ્યા હતા. તેમ છતાં ભાજપ પક્ષમાથી વર્ષોથી દાવેદારી કરનારા વિજય પટેલ તેમજ તેમના હરીફ રહેનારા મંગળ ગાવિત હવે સાથે હશે ત્યારે હવે પાર્ટી કોના ઉપર પોતાનો કળશ ઢોળે છે એ જોવાનુ રહ્યુ. જ્યારે સામે પક્ષે પણ એક સમયે મંગળ ગાવીતને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ચંદર ગાવિત જે હાલમાં કોંગ્રેસનાં એક માત્ર કદાવર નેતા છે. અને ડાંગ કોંગ્રસ પાર્ટીમાં પણ ટિકિટની રેસમાં તેમનું નામ મોખરે રહેલુ છે, ત્યારે હાલમાં રાજકીય પંડિતોનાં ગણીત મુજબ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મંગળ ગાવીત વર્સીસ ચંદર ગાવીત અથવા વિજયભાઈ પટેલ વર્સીસ ચંદર ગાવીતને જો કદાચ ટિકિટ ફાળવવામાં આવે તો કાંટે કી ટક્કર જામશે.