- ડાંગમાં આહવા શામગહાન નેશનલ હાઈવે બિસ્માર થતાં વાહનચાલકોને મુશ્કેલી
- ચોમાસામાં ધોવાયેલ માર્ગની હજી સુધી કોઈ પણ સમારકામ કરવામાં નથી આવ્યું
- બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવાની માગ કરતા કરતા સ્થાનિકોનું ગળું સુકાઈ ગયું
ડાંગઃ આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનનો હાઈવે બિસ્માર બન્યો છે. આ નેશનલ હાઈવે નવસારી નેશનલ હાઈવે પેટા વિભાગનાં ઈજનેરના હસ્તક આવે છે. નાયબ ઈજનેર દ્વારા ડાંગ જિલ્લાના રસ્તાનું નિરીક્ષણ કે વિઝીટ કરવામાં આવતી ન હોવાથી ગત ચોમાસામાં ધોવાયેલ રસ્તો રિપેર થયો નથી. રસ્તા પર મોટા-મોટા ખાડા પડી ગયા હતા. ખાડાનું પુરાણ ન થતા રસ્તા વચ્ચે ડામર અને કપચી ઊખડી ગયું છે. રસ્તો બિસ્માર બન્યો છે. આથી આ રસ્તા ઉપર અવારનવાર વાહનોના અકસ્માતના બનાવો બની રહ્યા છે.
બિસ્માર હાઈવે રિપેર કરવાની લોકમાગ ઉઠી
આહવા શામગહાન નેશનલ હાઈવેનું ચોમાસામાં ધોવાણ થયું હતું. રસ્તાનું ધોવાણ થતા તેનું પુરાણ પણ હજી કરવામાં આવ્યું નથી. ભારે વાહનો રસ્તાની સાઈડ જતા અકસ્માત થવાની ભીતિ વર્તાઈ રહી છે. આ ઉપરાંત વાહનોની ગતિમાં પણ અવરોધ આવ્યો છે. નેશનલ હાઈવે હોવાથી આ રસ્તા ઉપરથી ગુજરાત, મહારાષ્ટ્ર થઈને અન્ય રાજ્યોમાં વાહનો પણ પસાર થતા હોય છે. આ રસ્તા બાબતે નેશનલ હાઈવે નવસારી પેટા વિભાગનાં ઈજનેર ગંભીરતા દાખવી તાત્કાલિક આ બિસ્માર રસ્તાનું સમારકામ કરી અકસ્માત અટકાવે તેવી લોકમાગ ઊઠી છે.