ડાંગ: ગુજરાત રાજ્યના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ લીમિટેડના ડી.ટાઇપ અને સુર્યા કોટેજીસના રિનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીનો ઈ પ્રારંભ કરાવાયો હતો.
સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે નૈસર્ગિક વન સંપદાનો અખૂટ ભંડાર ધરાવતા ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી લગભગ રૂપિયા 3.67 કરોડના ખર્ચે રિનોવેશન અપગ્રેડેશનનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કોટેજીસમાં માળખાકીય મજબુતીકરણ, લેન્ડ સ્કેપિંગ તથા બેઠક વ્યવસ્થાનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર તમામ ક્ષેત્રોના વિકાસ માટે કટિબદ્ધ છે, અને રાજ્યના પ્રવાસન ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ તથા પ્રવાસીઓની સંખ્યામાં થતા ઉત્તરોત્તર વધારો તેનો મજબૂત પૂરાવો છે. તેમ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાને જણાવ્યું હતું.
જવાહર ચાવડાએ ગુજરાતના સ્વર્ગ સમાન ડાંગ જિલ્લામાં સાપુતારાની સાથે ગીરા અને ગિરમાળ ધોધ, બોટાનીકલ ગાર્ડન, ડોન હિલ્સ, શબરી ધામ અને પમ્પા સરોવર સહિત ગાઢ જંગલો સાથે અખૂટ કુદરતી સંપતિ આવેલી છે. રાજ્ય સરકારે સ્થાનિક આદિજાતિ સમુદાયની કલા-કારીગરીને પ્રોત્સાહન આપવા માટે પણ નક્કર પ્રયાસો કર્યા છે. જેના કારણે ટકાઉ આજીવિકાનું સર્જન કરવામાં મદદ મળી છે, તેમ જણાવી આ રીનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓની સગવડમાં વધારો થશે, તથા એક મજબુત માળખાનું નિર્માણ કરવામા મદદ મળી રહેશે તેમ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યમાં વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ અને માળખાકીય સુવિધાઓના નિર્માણ અને નવિનીકરણ માટે દર વર્ષે અંદાજપત્રીય ફાળવણીમાં વધારો કર્યો છે, જેના સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્તરે એક મજબુત ઇકો સીસ્ટમનું નિર્માણ કરવું શક્ય બન્યું છે, તથા પ્રવાસીઓના આગમનથી સ્થાનિક યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ પેદા થઇ છે, તેમ જવાહર ચાવડાએ પુરક વિગતો આપતા જણાવ્યું હતું.
છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં રાજ્યમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની ઓળખ કરીને માળખાકીય વિકાસ તથા આક્રમક માર્કેટિંગ કેમ્પેઈન જેવા પ્રયાસોને કારણે આજે ગુજરાત, ભારતના ટોચના પ્રવાસન કેન્દ્રોની હરોળમાં સ્થાન ધરાવે છે. સંખ્યાબંધ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ અને પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે નોંધાતો વધારો તેનો પૂરાવો છે, તેમ પણ પ્રવાસન પ્રધાન જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું.
રાજ્ય કક્ષાએથી ઈ પ્રારંભ કરાવવાના આ કાર્યક્રમ દરમિયાન સાપુતારા સ્થિત હોટલ તોરણ ખાતે સામાજિક કાર્યકર હીરાભાઈ રાઉત, હોટેલ એસોસીએશનના સેક્રેટરી તુકારામ કરડીલે, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ચીફ ઓફિસર ધવલ સંગાડા, પ્રવાસન નિગમના મેનેજર રાજેન્દ્ર ભોસલે, કાર્યપાલક ઈજનેર જે. કે. પટેલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર ડી. બી. પટેલ, પરિક્ષેત્ર વન અધિકારી રાહુલ પટેલ, સહાયક માહિતી નિયામક કે. એસ. પરમાર સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.