ડાંગ: જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ ગ્રામ પંચાયત આહવાનાં મહિલા સરપંચ વિરુદ્ધ થોડા દિવસ પહેલા સરપંચ મંડળના કુલ 18માંથી 13 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી બહુમતિ સાથે મંજુર થતા મહિલા સરપંચને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં આહવા ગ્રામ પંચાયતનાં સરપંચની જગ્યા ખાલી હોવાથી તેમજ સ્થાનિક નગરવાસીઓનાં વિકાસકીય કામ ચાલતા રહે તે માટે ઉપસરપંચ હરીરામભાઈ સાંવતે સરપંચનો પદભાર સંભાળી લેતા આહવા નગરવાસીઓએ સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આહવા ગ્રામ પંચાયત વિવાદો વચ્ચે ધેરાયેલી હતી જેમાં પંચાયતના સભ્યોએ સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સભ્યોએ દાવો કર્યો હતો કે, સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લિધા વિના કામ કરે છે તથા તેઓ પોતાનો મનસ્વી વહીવટ ચલાવે છે. આ આરોપો સાથે સરપંચ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ જતા પંચાયતના વિકાસકીય કામો થતા રહે તે માટે કારોબાર ઉપસરપંચને સોંપવામાં આવ્યો હતો.