- આરોગ્યવિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારનાં ખાનગી દવાખાનામાં સર્ચ ઓપરેશન
- પોલીસ પ્રોટેકશન સાથે બંગાળી ડોક્ટરોના દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- હાટ બજારોમાં બંગાળી ડૉકટરો પોતાની પ્રેક્ટિસ કરી આદિવાસી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે
ડાંગઃ ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તારમાં ધરાવે છે. ત્યારે અહીં આ આદિવાસીઓનો બોગસ ડિગ્રીધારી ડોકટરો ફાયદો ઉઠાવી રહ્યાં છે. અહીં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ ફેસિલિટી ન મળતાં બંગાળના બોગસ ડૉક્ટરોએ ડાંગ જિલ્લામાં પોતાનો અડ્ડો જમાવી દીધો છે. ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત હાટ બજારોમાં બંગાળી ડોકટરો પોતાની પ્રેક્ટિસ કરી આદિવાસી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.
બોગસ ડિગ્રી ધારી ડોક્ટરોના દવાખાનામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બંગાળી ડોકટરો હોમિયોપેથિકની ડિગ્રી ધારણ કરી એલોપેથીની સારવાર કરી રહ્યાં છે. હાલમાં કોરોના વાઈરસના સંક્રમણના ભય વચ્ચે લોકો સરકારી દવાખાને જવાનું ટાળી રહ્યાં છે ત્યારે આ ડોકટરો પોતાની પ્રેક્ટિસ અહીંના લોકો ઉપર કરી રહ્યાં છે.
લોકોની ફરિયાદ એજીઓને ધ્યાને રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી. કે. શર્મા સાથે વાતચીત કરતાં તેમને જણાવ્યું હતું કે, લોકોની ફરિયાદના આધારે પોલીસેની મદદ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ બંગાળી ડોકટરોના દવાખાને સર્ચ ઓપરેશન કરતાં કાંઈ હાથમાં આવ્યું નથી. મોટા ભાગના ડોકટરો પોતાના દવાખાને હાજર હતાં નહીં.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોકટરો સામે તંત્રની કાર્યવાહી જરૂરી
છેલ્લાં કેટલાંય વર્ષથી ડાંગ જિલ્લામાં પોતાનો અડ્ડો જમાવી ચૂકેલ બંગાળી ડોકટરો આદિવાસઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે. તેમ છતાંય વર્ષોથી જાણે આરોગ્ય વિભાગ દ્વારા જ આ લોકોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી હોય તેમ જણાઈ આવે છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બોગસ ડોકટરોને ખુલ્લી છૂટ મળી ગઈ છે. આહવા, સુબીર અને વઘઇ વિસ્તારમાં પ્રેક્ટિસ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર બંગાળી ડોકટરો ઉપર સખત કાર્યવાહીની લોક માગ ઉઠવા પામી છે.