ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે જિલ્લામાં અનેક જગ્યાઓએ ભેખડો ધસી પડતા અંતરિયાળ રસ્તાઓ સહિત નેશનલ હાઈવેના રસ્તાઓ પણ 5 થી 6 કલાક માટે બંધ થઇ ગયા હતા. સવારેથી જામેલા ભારે વરસાદને કારણે વાંસદા-વધઇ વચ્ચે 66 કે.વી.ની વીજ લાઈન ઉપર મોટુ ઝાડ ધરાશયી થતા અંદાજીત ૩ કલાક માટે ડાંગ જિલ્લાને અપાતો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
પુર્ણા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-મહાલના કેમ્પસમાં નદીના પાણી ફરી વળતા બાળકો અને સ્ટાફ ફસાઈ ગયો હતો. નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસે વાયરલેસની મદદથી વનવિભાગની ટીમને સૂચના આપતા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી તાત્કાલિક વનવિભાગના સરકીટ હાઉસ ખાતે સલામત સ્થળે ખસેડી પ્રશંસનીય કામગીરી કરી હતી.
હવામાન ખાતાની ભારે વરસાદની ચેતવણીને પગલે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ,માધ્યમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા છાત્રાલયોમાં રજા જાહેર કરી છે. વધુમાં આચાર્યઓ અને ગૃહપતિઓને વરસાદના અહેવાલ નોંધાવવા તાકીદ કરી હતી.