ડાંગઃ જિલ્લા LBC અને આહવા પોલીસની સયુંક્ત ટીમોએ આહવા નગરમાં રેડ કરી મોટા પ્રમાણમાં તમાકુ અને ગુટખાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલા કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન અંતર્ગત રાજ્યનાં તમામ જિલ્લાઓમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય પાન ગલ્લા તેમજ ગુટખા-તમાકુનાં વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે.
તેમ છતાં રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા અને વ્યાપારીનગર વઘઇ ખાતે અમૂક મોટા ગજાનાં વ્યાપારીઓ આ લોકડાઉન અંતર્ગત તમાકુ અને ગુટખા રસિયાઓનાં તલપનો લાભ લઈ ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ગુટખા અને તમાકુનો જથ્થો લાવી ચાર ગણા ભાવે વેંચતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. જેમાં રવિવારે ડાંગ જિલ્લા પોલીસ વડા સ્વેતા શ્રીમાળીને આહવા ખાતે મોટા પ્રમાણમાં ગુટખા અને તમાકુનો જથ્થો એક વ્યાપારીએ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી.
ડાંગ જિલ્લાનાં SPની સૂચનાનાં આધારે ડાંગ LCB, PSI, પી.એચ. મકવાણા તેમજ આહવા PSI પી.એમ. જુડાલની પોલીસ ટીમનાં સયુંક્ત ઉપક્રમે આહવા નગર ખાતેનાં વ્યાપારી સમીમખાનની જવાહર કોલોની ખાતે આવેલા તાજબેકરીનાં ગોડાડાઉનમાં રેડ કરાઈ હતી. ડાંગ આહવા પોલીસની ટીમને તાજ બેકરીનાં ગોડાઉનમાં કરાયેલા રેડ દરમિયાન ગોડાઉનમાંથી કુલ 4,93,800 રૂપિયાનો ગુટખા તેમજ તમાકુનાં જથ્થાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
હાલમાં આહવા પોલીસ મથકનાં PSI પી.એમ. જુડાલ દ્વારા આ ગુટખા તમાકુનાં વ્યાપારી નામે સમીમખાન વાહીદખાન પઠાણ, તેમજ સલીમખાન વાહીદખાન પઠાણ રે.સરદાર બજાર આહવા ડાંગનાઓ સામે જાહેરનામાં તેમજ ડિઝાસ્ટર એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. ડાંગ જિલ્લાનાં પોલીસે આહવા નગરમાં ગુટખા અને તમાકુનો જથ્થો પકડાયાની વાત જિલ્લામાં પ્રસરી જતા વ્યસન રસિયાઓની મુરાદ મનમાં જ રહી ગઈ હતી.