આહવાઃ કોરોના વાઇરસની મહામારીને કારણે સરકારે 3 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. ગરીબ અને મજૂરી કામ કરતા લોકો, વિધવા તેમજ રોજ કમાઇને ખાતા પરિવારો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની ચિંતા કરીને એકપણ ગરીબ માણસ ભુખ્યો ન રહી જાય તેની કાળજી લીધી છે. સરકાર દ્વારા ગામડાઓમાં રહેતા લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણન કરવાની યોજના અમલમાં મૂકી છે.
ડાંગ જિલ્લાના કલેક્ટર એન.કે.ડામોરે જિલ્લાના તમામ ગરીબ પરિવારોને સરળતાથી અનાજ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. છેવાડાના એકપણ ગરીબ કુટુંબ કે વ્યક્તિ ન રહી જાય તેની સંપૂર્ણ તકેદારી રાખી વહીવટી તંત્રની ટીમ તહેનાત કરી હતી. લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે દરેક સસ્તા અનાજની દુકાનના સ્થળે તલાટી,શિક્ષક અને સરપંચ અનાજ વિતરણ વ્યવસ્થા સંભાળી રહ્યા હતા.
જિલ્લામાં પૂર્વપટ્ટીમાં આવેલો સુબીર તાલુકો ભૌગોલિક રીતે પછાત કહી શકાય એવો છે. અહીંના અંતરિયાળ ગામોમાં અનાજ વિતરણ વ્યવસ્થા લોકો સુધી પહોંચી કે કેમ ? તે જોવા મહારાષ્ટ્રની બોર્ડરના ગામોની મુલાકાત જિલ્લા માહિતી કચેરી આહવા દ્વારા લેવામાં આવી હતી. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની નજીકમાં આવેલા ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં રહેતા ગેનાભાઇ બોંડયાભાઇ બારસ કહે છે કે અમો માત્ર ચોમાસા આધારિત ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ. સરકારે આ કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર કર્યું હતું. પરંતુ અમારા માટે વિનામૂલ્યે અનાજની વ્યવસ્થા કરી દીધી એનો અમને આનંદ છે. અહીં તમામ લોકોને અનાજ વિતરણ કરાયું હતું.
પિપલદહાડની નજીકમાં આવેલું સાવરદા ગામના એપીએલ કાર્ડધારક સોનલબેન વિપુલભાલ પવાર ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓ જણાવે છે કે, અમારા જંગલ વિસ્તારમાં આવેલા ગામમાં અંદાજીત 100 લોકોને સરકાર દ્વારા મફતમાં અનાજ મળ્યું છે. અહીં ગામમાં ગરીબ,વિધવાબહેનો સહિત વિકલાંગ વ્યક્તિને પણ અનાજ અપાયું છે. ખરેખર લોકોને લોકડાઉનને કારણે મુશ્કેલી ન પડે તે માટે ગામડાઓના લોકોની ચિંતા પણ સરકારે કરી છે. જે ખૂબ જ ખુશીની વાત છે.