ડાંગ: જિલ્લાનાં વહીવટી મથક ખાતે આવેલી આહવા ગ્રામ પંચાયતની અગામી તા.23 જૂનનાં રોજ યોજાનારી સામાન્ય સભા માટેનાં એજન્ડા દરેક ચૂંટાયેલા સભ્યોને મોકલવામાં આવ્યા હતા. ત્યારે, અહી આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા પહેલા યોજાયેલી પાંચ જેટલી સામાન્ય સભાઓમાં ચૂંટાયેલા સભ્યોને અંધારામાં રાખી ગેરરીતિ અને મનસ્વી વહીવટ કર્યો હતો.
આ મુદ્દે ચૂંટાયેલા સભ્યોએ આહવા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ તલાટીકમ મંત્રીને લેખિતમાં અરજી કરી જણાવ્યું છે કે, આહવા ગ્રામ પંચાયતનો સંપૂર્ણ વહીવટ આપ તલાટીકમ મંત્રી પાસે ન મળે ત્યાં સુધી તમામ સામાન્ય સભા મુલતવી રાખવી તેમજ તમામ સામાન્ય સભા અન્વયે ગ્રામ પંચાયતનાં નિભાવવાનાં થતા સંપૂર્ણ રજીસ્ટર અને રેકોર્ડ, રોજમેળ, પાસબુક, ચેકબુક, વેરા, વસુલાત, રજીસ્ટર, ખર્ચ પત્રકો, વિકાસનાં કામો તથા નાણાપંચનાં કામોનાં તમામ દફતર આપના કક્ષાએથી ઉપલબ્ધ થાય ત્યારે જ અગામી સામાન્ય સભા યોજવી તથા આહવા ગ્રામ પંચાયતનાં તલાટીકમ મંત્રીને સંપૂર્ણ ચાર્જ મળ્યા પછી જ મીટિંગ લેવી તેમજ આ મિટિંગમાં જવાબદાર તાલુકાનાં અધિકારીએ પણ હાજર રહેવુ અને અપૂરતા રેકોર્ડ સાથે આપ તલાટીકમ મંત્રી જો ચાર્જ લેશે તે દરમિયાન જે પણ તકરાર ઉભી થશે તે આપણી જવાબદારી રહેશે.