૧૫ ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના આયોજન અંગે તારીખ ૨૦ જુલાઇના રોજ જિલ્લા સેવા સદન ખાતે મળેલી બેઠકમાં માર્ગદર્શન આપતા કલેક્ટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી થવા જઇ રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન થકી તમામ જાહેર સ્થળો, ગ્રામપંચાયતો, સરકારી ઈમારતો સ્વચ્છ બને તે માટે સબંધિત અધિકારીઓએ જોવાનું રહેશે.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દરેક કચેરીઓ સ્વચ્છ બને તેમજ રોશનીથી શણગાર થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. પ્રાંત અધિકારી કાજલ ગામીત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે જિલ્લાના નોડલ અધિકારી તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત મહાનુભાવો માટે આમંત્રણ પત્રિકા, સ્ટેજ-મંડપ સહિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પ્રભાતફેરી, કાર્યક્રમના સુચારૂ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા અમલીકરણ અધિકારીઓની સમિતિ બનાવીને ફરજ સોંપણી કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, પોલીસ વડા શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસ, નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.ડી.અસારી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, પંચાયત-સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સર્વ જી.એ.પટેલ,જે.કે.પટેલ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.