ડાંગ: આરોગ્ય વિભાગના તબીબો દ્વારા 30,172 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જેમાં 97 લોકો હોમ કવોરોન્ટાઇન છે અને 36 વ્યક્તિનો હોમ કવોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયો છે. જયારે 6 લોકો પેસેન્જર્સ ફેસીલીટી ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટર એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસની ગંભીરતાને લઇને સંપૂર્ણ તકેદારી સાથે સમગ્ર જિલ્લામાં 24 કલાક કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગની સતર્કતાને પગલે હજી સુધી ડાંગ જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.
જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તમામ 311 ગામોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આહવા,વધઇ અને સુબીર ત્રણે તાલુકાઓમાં કુલ 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,71 સબ સેન્ટર 24 કલાક મેડીકલ સેવાઓથી સજ્જ કરાવામાં આવ્યું છે. એકશન ટેકન રીપોર્ટ મુજબ જનરલ હોસ્પિટલ,આહવામાં શંકાસ્પદ દર્દી માટે અલગથી ફલુ કોર્નર તેમજ COVID- 19 હોસ્પિટલ સાથે 100 બેડનો આઈસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લામાં ત્રણ બાજુ મહારાષ્ટ્ર અને બે બાજુ નવસારી તેમજ તાપી જિલ્લો મળીને કુલ 14 જેટલા નાકાઓ ઉપર સ્ક્રીનીંગ માટે આરોગ્યની ટીમ મુકવામાં આવી છે. ટીમ દ્વારા જિલ્લામાં આવતા મજુરોને કોરોના વિષયક સમજણ આપી ફરજીયાત 14 દિવસ સુધી ધરની બહાર ન નીકળવા જણાવવામાં આવે છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 30,172 લોકોની તપાસ કરવામાં આવી છે. આમ જિલ્લા વહીવટી તંત્રનું સુચારૂ માર્ગદર્શન,ચુસ્ત પોલીસ બંદોબસ્ત,તેમજ વન વિભાગની સતર્કતા અને આરોગ્ય વિભાગની ભારે જહેમતના કારણે અત્યારસુધી ડાંગ જિલ્લો કોરોનામુક્ત રહયો છે.