ડાંગઃ કોરોના મહામારીનાં કારણે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે જ્યાં છો ત્યાં જ રહો અને સુરક્ષિત રહો. પંરતુ બારડોલી સુગર ફેક્ટરીઓ દ્વારા ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં મજૂરોને ટ્રકો દ્વારા ફેક્ટરીઓમાં લઈ જવામાં આવી રહ્યા છે, સુગર ફેક્ટરીઓના સુપરવાઇઝર લોકડાુનનો ભંગ કરી મજૂરોને ફેકટરી પર પરત લઈ ગયાં છે.
બારડોલી સુગર ફેક્ટરીની 10 ગાડી ડાંગ જિલ્લામાં ગત રાત્રે એટલે કે શુક્રવારે મોડી રાત્રે મજુરોને લેવા માટે આવી હતી. કોરોના વાઈરસ મહામારીનાં ભયથી સુગર ફેક્ટરીઓનું કામ પડતુ મુકીને પોતાનો જીવ બચાવીને નાસી છૂટેલા ડાંગનાં મજૂરો સુરત જિલ્લામાંથી ચાલતા ચાલતા ડાંગ જિલ્લામાં પોતાના ઘરે આવી પહોંચ્યા હતાં. બારડોલી સુગર ફેક્ટરી દ્વારા તેઓને કોઈ જ વાહન વ્યવહારની સગવડ પુરી પાડવામાં આવી ન હતી.
આજે ફેકટરીને મજૂરોની ગરજ પડતા ફેકટરીના સપરવાઈઝર બળવંતભાઈ, સોમાભાઇ અને પ્રવિણ પાટીલ મજૂર ભરતી સુપરવાઇઝર ડાંગનાં મજૂરોને લેવા આવ્યાં હતાં. મજૂરોને વધુ પૈસા અને કમીશન આપવાની તેમજ તેમની સંપૂર્ણ જવાબદારી લેવાની લાલચ આપી હતી. આમ, ડાંગનાં ખેરીન્દ્રા અને કાકડવિહિર ગામેથી મજુરોને ટ્રકમાં ભરી બારડોલી સુગર ફેક્ટરીઓમાં લઈ જવામાં આવ્યા છે.
જેથી ડાંગ જિલ્લામાં રહેતા અન્ય લોકો દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કે પોતાના વતનમાં આવી જઈ સુરક્ષિત મજૂરોને પાછા સુગર ફેક્ટરીઓમાં લઈ જવામાં આવ્યા છે. આ સાથે જ ડાંગવાસીઓમાં કોરોનાના ભયને લઈ તે મજૂરો પ્રત્યે રોષ ફેલાયો છે. ડાંગવાસીઓએ કહ્યું કે તેમાંથી કોઈ પણ મજૂર કોરોનાગ્રસ્ત થશે તો જવાબદાર કોણ..? કોરોના પ્રભાવિત એક પણ મજૂરને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહી.
આ બાબતે ડાંગ જિલ્લા એલ.સી.બી.પી. એસ.આઈ. પી.એચ. મકવાણા જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતુ કે, આ બાબતની જાણ મારા સુધી આવી નથી. તેમ છતા તેમણે કહ્યું કે આ ગંભીર બાબત હોવાથી તાત્કાલિક પોલીસની ટીમોને ડાંગ જિલ્લાનાં ખેરીન્દ્રા અને કાકડવિહીર ગામે મુલાકાત લઈ તપાસનાં સૂચનો કરૂ છુ.