- વઘઇના દોડીપાડા ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ
- વઘઇ તાલુકાના જિલ્લા અને તાલુકા બેઠકના ઉમેદવાર જાહેર
- 40 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
ડાંગઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષોએ ઉમેદવારોની શોધખોળ આરંભી દીધી છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લા કોગ્રેસ સમિતી દ્વારા આજે રવિવારે વઘઇના દોડીપાડા ખાતે સ્વ.માધુભાઇ ભોયેના નિવાસ સ્થાને ઝોન પ્રભારી પુનાજી ગામિત અને જિલ્લા પ્રભારી અજય ગામિતના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
વઘઇ તાલુકાના જિલ્લા અને તાલુકા બેઠકના ઉમેદવાર જાહેર
કોંગ્રેસની આ બેઠકમાં વઘઇ તાલુકાની જિલ્લાના 6 અને તાલુકા પંચાયતના 16 સંભવિત ઉમેદવારોને જાહેરાત કર્યા હતા. આ તમામ જિલ્લા તાલુકાના ઉમેદવારોને જંગી બહુમતીથી જીત મળે એવી શુભકામના પાઠવી વઘઇ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી પ્રચારનો શુભઆંરભ કરી દેવામાં આવ્યો હતો.
વઘઇની બેઠક માટે જિલ્લા પંચાયતના માજી ઉપ પ્રમુખ હરીશ બચ્છાવને ટિકિટ
બેઠકમાં સૌ પ્રથમ વઘઇ જિલ્લા પંચાયત બેઠક પર માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અને કોગ્રેસનાં બાહુબલી નેતા હરીશ બચ્છાવની વઘઇ જિલ્લા પંચાયત ઉમેદવાર તરીકે પસંદગી થતાં વઘઇ નગર સહિત આજુબાજુના વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ સાથે કોંગ્રેસી કાર્યકરો દ્વારા આવનારી ચૂંટણીમાં વઘઇ બેઠકના કદાવર નેતા હરીશ બચ્છાવને બહુમતીથી જીત મળે એવી શુભકામના પાઠવામાં આવી હતી.
કોંગ્રેસનાં ઝોન પ્રભારી દ્વારા ચૂંટણીમાં લાલચથી દૂર રહેવા અપીલ
ઝોન પ્રભારી પુનાજી ગામીતે તમામ સંભવિત ઉમેદવાર તેમજ કોગ્રેસી કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતુ કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના તેના પૈસાની લાલચ આપશે, પરંતુ પૈસાને તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઠોકર મારી કોગ્રેસ પક્ષ માટે વફાદારી દાખવી પડશે અને કોગ્રેસ પક્ષના ઉમેદવારને બહુમતીથી જીત મળે એવા પ્રયાસ કરવા પડશે. વધુમાં આ બેઠકમાં ડાંગના પ્રભારી અજય ગાવિતે જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લામાં ભાજપ સરકાર પૈસાના જોરે કોંગ્રેસના કાર્યકરોને ખરીદી રહી છે, પરંતુ આપણે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઇ રહેવાનુ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આક્રમક બની ભાજપના ઉમેદવારો ડધાવી દેવાના છે.
કોંગ્રેસના જુના વિવાદને ભૂલી જવુંઃ ડાંગ કોંગ્રેસ પ્રમુખ
આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત કોગ્રેસ સમિતી દ્વારા ઉમેદવારોની પસંદગી તેમને સોપવામાં આવી હતી. સૌ કાર્યકર્તાઓએ પોતાના મન પસંદ ઉમેદવારને સર્વ સંમતિથી ઉમેદવાર નક્કી કર્યા છે. જેને જીતાડવા માટે જુના વિવાદ ભૂલીને ચૂંટણી પ્રચારમાં જોતરાઈ જવુ પડશે અને ફરી એક વાર ડાંગમાં કોગ્રેસનો ઝંડો લહેરાવી આદિવાસી વિરોધી ભાજપ સરકારને જાકારો આપવો પડશે.