- ડાંગ BTP પાર્ટી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયાં
- પરેશ ધાનાણીએ ખેસ પહેરાવ્યો
- કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર શરૂ કર્યો
ડાંગ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ સક્રિય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. ડાંગ જિલ્લામાં ભાજપ તરફી માહોલ જણાઈ રહ્યો છે. આ સાથે ભાજપના કેબીનેટ પ્રધાન ગણપત વસાવાએ કોંગ્રેસના તમામ ખમતીધર નેતાઓને ભગવા રંગમાં સમાવી લીધા છે. આ નેતાઓની સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાઈ ગયા છે.
ડાંગ BTP પાર્ટી પ્રમુખને પરેશ ધાનાણીએ ખેસ પહેરાવ્યો
હાલમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે અને કોંગ્રેસના સમર્થનમાં ડાંગ જિલ્લા BTP પાર્ટીના પ્રમુખ રાકેશ પવારે ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ જતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. ડાંગ જિલ્લામાં આદિવાસીનાં હક્કો માટે લડનારા BTP નેતા રાકેશ પવાર આજે સોમવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ જતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર
આ અગાઉ પણ BTPના નેતા કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં દેખાયા હતા. તેમજ તે કોંગ્રેસ ઉમેદવારના પ્રચારમાં પણ નજરે ચઢી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP નેતા કોંગ્રેસ પાર્ટીને કેટલો ફાયદો અપાવશે એ ચૂંટણીના પરિણામો જ બતાવશે.