- ડાંગ જિલ્લો થયો કોરોનામુક્ત
- જિલ્લામાં અત્યાર સુધીમાં 161 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં રસીકરણની પ્રક્રિયા ચાલુ
ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનાં સંક્રમણનો દર ઘટી રહ્યો છે. ત્યારે શરૂઆતથી જ કોરોના વાઈરસમાં ઓછાં દર્દીઓ ધરાવતાં ડાંગ જિલ્લામાં કોરોનાં વાઈરસનું સંક્રમણ ધીમી ગતિએ જોવા મળ્યું હતું. હાલમાં જિલ્લામાં એકપણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ જોવા મળ્યાં નથી.
છેલ્લા એક સપ્તાહ માં એકપણ પોઝિટિવ કેસ નહિ
જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહ થી એકપણ પોઝિટિવ કેેસ નોંંધાયો નથી. જ્યારે અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ 162 કેસો નોંધાયા હતાં. જેમાંથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયુ નથી. જિલ્લામાં કુલ 30 હજાર 696 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 21 રિપોર્ટ પેન્ડિગમાં છે. આજની તારીખમાં કોઈ પોઝિટિવ કેસ સામે આવ્યા નથી. એક કન્ટેનમેન્ટ ઝોન આહવા પોલીસ લાઈનમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જ્યાં કોઈ કેસ સામે આવ્યો નથી.
જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણ પ્રક્રિયા ચાલુ
જિલ્લામાં હાલ 10 પી.એચ.સી, 03 સી.એચ.સી અને 01 આહવા સિવિલ હોસ્પિટલ ખાતે તબક્કાવાર કોવિશિલ્ડ વેક્સિન આપવાનું કાર્ય ચાલુ છે. જેમાં અત્યાર સુધી આશરે 1900 જેટલાં કોરોના વોરિયર્સ દ્વારા રસી લેવામાં આવી છે. આ તમામ કોરોના વોરિયર્સ સંપૂર્ણ સ્વસ્થ છે અને અન્ય લોકોને પણ રસી લેવાનો આગ્રહ કરી રહ્યા છે. આહવા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહે પ્રથમ રસી લીધી હતી. રસી લીધા બાદ તેઓએ અન્ય લોકોને પણ રસી લેવાનો અનુરોધ કર્યો હતો.