ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ શેપુઆંબા ખાતે મંગળવારના રોજ કોંગ્રેસનાં આગેવાનો દ્વારા સ્થાનિક જાગીર મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઇસખંડી જાગીર મંડળનાં પ્રમુખ સહીત સભ્યો અને પોલીસ પટેલો કોંગ્રેસમાં જોડાતા ડાંગનાં રાજકીય સમીકરણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં સમાવિષ્ટ શેપુઆંબા ગામ ખાતે મંગળવારે કોંગ્રેસના કાર્યકરોની બેઠક યોજાઈ હતી. 3જી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીનાં પ્રચાર પ્રસાર સંદર્ભે કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ઈસખંડી જાગીરી વિકાસ મંડળનાં પ્રમુખ શામદરાવ, જાગીરી મંડળનાં ઉપપ્રમુખ, મંત્રી, કમિટી સભ્યો તથા પૂર્વ સરપંચ સહિત ગામના મુખિયા એવા પોલીસ પટેલો જોડાયા હતા. ઇસખંડી જાગીરી મંડળ ડાંગ જિલ્લામાં મોટું સંગઠન ધરાવે છે.
આવનારા સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે આ જાગીરી મંડળે વચન આપ્યુ હતુ. સુબિર તાલુકાનાં પીપલદહાડ, કડમાળ, દહેર, માળગા વગેરે ગામનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કોંગ્રેસની બેઠકમાં પૂર્વ સાંસદ કિશન પટેલ, ડાંગ કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરી, ચંદરભાઈ ગાવીત, મુકેશભાઈ પટેલ, સૂર્યકાંત ગાવીત, બાબુભાઇ બાગુલ, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે. આ સાથે ઉમેદવારે ફોર્મ પણ ભરી દીધું છે. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હજૂ સુધી સત્તાવાર રીતે કોઈ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.
ડાંગ જિલ્લો કોંગ્રેસ પક્ષનો ગઢ રહ્યો છે. ડાંગ બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી મંગળભાઈએ રાજીનામું આપ્યુ હતુ. જે બાદ હવે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પક્ષે થોડા દિવસ અગાઉ સુબિર વિસ્તારનાં મોટાભાગના લોકોને ભાજપ પક્ષમાં સામેલ કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, મતદારોનું ગણિત ક્યા પક્ષને જીત અપાવે છે.