ડાંગઃ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના 6 જેટલા ગામના આદિવાસી સમાજની જમીનોને વિકાસના નામે લોકડાઉનની આડમાં સરકાર દ્વારા ભોળા અને આદિવાસીઓ ઉપર પોલીસ ખાતા દ્વારા દમન ગુજારી સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે સંપાદન અટકાવવા બાબતે ભીલીસ્થાન ટાઈગર સેના ડાંગ દ્વારા ડાંગ કલેકટર અને રાજ્યપાલને સંબોધીને અરજ ગુજારી ન્યાયની માંગણી કરી છે.
ડાંગ જિલ્લા ભીલીસ્થાન ટાઇગર સેનાએ ડાંગ કલેક્ટરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે, હાલમાં વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેને નાથવા માટે સરકાર દ્વારા અલગ અલગ રીતે પગલા ભરાય રહ્યા છે. આવા સમયમાં ગુજરાત રાજ્ય સરકાર સકારાત્મક પગલા લેવાની જગ્યાએ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના છ જેટલા ગામના આદિવાસી સમાજની જમીનોને વિકાસની આડમાં સંપદાનની કામગીરી હાથ ધરી ભોળા આદિવાસીઓ ઉપર દમન ગુજાર્યો છે. જે ભારતમાં ચાલી રહેલા લોકડાઉનના વિરુદ્ધમાં છે.
આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં કોરોનાના પગલા લેવાની જગ્યાએ સરકાર દ્વારા આદિવાસીઓને પાયામાંથી કાપી નાખવાની પ્રવૃત્તિ કરાઇ રહી છે. જે બાબતે અમો ભીલીસ્થાન ટાઇગર સેના ડાંગ વિરોધ કરીએ છીએ તથા મહામહિમને ગુજરાત રાજ્યનાં પાંચમી અનુસુચિ વિસ્તારનાં વહીવટ અને દેખરેખ બાબતે વિશેષ અધિકાર હોથી આ બાબતે તાત્કાલિક સરકાર દ્વારા જમીન સંપાદનની કામગીરી અટકાવવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ તથા જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન અપાય તો ડાંગ ભીલીસ્થાન ટાઇગર સેનાનાં પ્રમુખ રાકેશભાઈ પવાર દ્વારા અગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.