ડાંગઃ કોરોના વાઇરસના વિશ્વવ્યાપી કહેરને પગલે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર એન.કે. ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સાવચેતીના ભાગરૂપે તાકીદની બેઠક યોજાઇ હતી.
![ડાંગ વહીવટી તંત્ર કોરોના વાઇરસ માટે સજ્જ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6433737_955_6433737_1584377136520.png)
કલેકટર એન.કે.ડામોરે તમામ અધિકારી/કર્મચારીઓને તાકીદ કરી હતી કે, કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે કચેરીમાં હાજર રહેવુ. કોઇપણ કર્મચારી અધિકારી ગેરહાજર રહે તે ચલાવી લેવાશે નહીં.
કલેકટર ડામોરે આરોગ્ય વિભાગને તાકીદ કરતા જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ તેમજ ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં ભરાતા હાટ-બજારમાં આરોગ્યની ટીમ તૈનાત રાખવી. આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો પુરતો જથ્થો રહે તેમજ હેલ્થ વિભાગની ગાઇડ લાઇન મુજબ ઈન્ફેકશન ફેલાય નહીં તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
જિલ્લા બહારથી આવતા લોકો તથા વેપારીઓમાં શરદી-ખાંસીના લક્ષણો જણાય તો તેઓના સ્વસ્થ્યની ચકાસણી કરવી. કોઇપણ શંકાસ્પદ જણાય તો તેની જાણ વહીવટી તંત્રને કરવી.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, પી.એચ.સી./સી.એચ.સી.ની સ્વચ્છતા જળવાય તેમજ બેડ ઉપર ચાદર પણ નિયમિત રીતે બદલાય તે આરોગ્ય વિભાગના વડાએ ધ્યાન રાખવાનું રહેશે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.સંજય શાહે જણાવ્યું હતું કે, દવાઓનો પુરતો જથ્થો સ્ટોકમાં છે. ખોટી અફવા ન ફેલાય તેમજ હાટ બજારમાં આરોગ્યની ટીમને ફરજ સોંપી દેવામાં આવી છે. જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ અલાયદો ઉભો કરવામાં આવ્યો છે. જનજાગૃતિ માટે પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય માટેના તમામ પગલા લેવા ટીમને સૂચના આપી દેવામાં આવી છે.
ડાંગમાં શાળા/કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ફક્ત બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થવાના આરે છે. જે રાબેતા મુજબ ચાલુ રહેશે. સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડૉ.બર્થા પટેલે ડાંગ જિલ્લાના જાહેર સ્થળોએ આયુર્વેદિક ઉકાળો પીવડાવવાનું શરૂ કરી દીધુ છે.
અત્યાર સુધીમાં કુલ 3946 લોકોએ આ ઉકાળાનો લાભ લીધો છે. યોજાયેલી બેઠકમાં તમામ અધિકારી/કર્મચારીઓએ આ ઔષધિય ઉકાળો પીધો હતો. કોરોના વાયરસ માટેની સલામતિના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, આહવા, વધઇ, સુબીર તાલુકા મામલતદારીઓ,સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો,તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.