ડાંગ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી. અરબી સમુદ્રમાં સિસ્ટમ ઉભી થઇ છે, પરિણામે સંભવિત વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે કેવી રીતે કામગીરી કરવી તે અંગે કલેકટર શ્રી ડામોરે જણાવ્યું હતું કે સબંધિત વિભાગોએ તેમના એકશન પ્લાન તૈયાર કરી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સાબદા રહેવું.


હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા.6થી 7 નવેમ્બર સુધી દરમિયાન ડાંગ જિલ્લામાં પણ મહત્તમ અસર થવાની સંભાવનાને પગલે ઉપસ્થિત થનાર પરિસ્થિતિને લક્ષમાં રાખી રાહત બચાવ કામગીરીના આગોતરા તમામ પગલા લેવા, તમામ અધિકારી/કર્મચારીઓએ હેડકવાર્ટરમાં હાજર રહેવા તથા કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા અને કોઇ પણ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા કલેકટર એન.કે.ડામોરે તાકીદ કરી હતી.