આહવાઃ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની જુની કલેકટર કચેરી ખાતે આજે એટલે કે રવિવારે કલેકટર એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર ટી.કે. ડામોરની ઉપસ્થિતિમાં કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે COVID-19 વોરરૂમ કાર્યરત કરાયો છે.
ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઇ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, COVID 19 વોર રૂમ શરૂ થતા ડાંગ જિલ્લાની કોઇપણ વ્યક્તિ પોતે કે આજુબાજુ રહેતા કોઇપણ કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિ અંગેની માહિતી આ વોર રૂમમાં 02631-220347 પર ફોન કરી આપી શકે છે. તેમજ કંટ્રોલરૂમમાંથી કોરોના અંગેની માહિતી મેળવી શકશે.
ડાંગ જિલ્લામાં મળી આવેલા તમામ ૩ પોઝિટિવ કેસોને સ્થાનિક ડાંગ જિલ્લામાં જ આઇસોલેશન રૂમમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સારવાર બાદ આ ત્રણેય દર્દીઓના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. ત્રણેય લોકો કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે. આ સાથે જ ડાંગ જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે.
પરંતુ ફરી ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનો પગ પેસારો ન ફેલાઈ તે માટે સરકાર દિશાનિર્દેશ સાથે આગળ વધી ડાંગ જિલ્લો હંમેશા ગ્રીન ઝોનમાં રહે તેવા હેતુથીજિલ્લા વહીવટીતંત્ર પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે.