ડાંગ જિલ્લાના ખ્રિસ્તી સમુદાય દ્વારા હર્ષોલ્લાસ સાથે નાતાલ પર્વની કરવામાં આવી હતી. ડાંગના રાનપાડા ગામે આશરે 2000થી પણ વધુ લોકો નાતાલ પર્વમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ગ્રામ્ય લોકો દ્વારા જુદાં જુદાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ઈસુના જન્મ વિશેના નાટકો રજૂ કરવામાં આવ્યા હતા.
નાતાલ પર્વ એટલે પ્રેમ અને કરુણાનો સંદેશો આપનાર ભગવાન ઈસુનો જન્મદિવસ. ગરીબો અને દુખિયારોની સેવા કરનાર ભગવાન ઈસુએ ગબાણમાં જન્મ લીધો હતો. શામગહાન પેરીસના કેથોલિક પુરોહિત ફાધર કિરીટ જણાવે છે કે, નાતાલ એટલે પ્રભુ ઈસુના શાંતિ, પ્રેમ અને આનંદનો તહેવાર. નાતાલ પર્વમાં પ્રભુ ઈસુ માનવતાનો સંદેશો લઈને આવે છે ત્યારે માનવ તરીકે કોઈપણ જાતિ ધર્મના ભેદભાવ વગર આપણે માનવતાના જીવન મૂલ્યો પોતાના જીવનમાં ઉતારી આ પૃથ્વી ઉપર સ્વર્ગનું નિર્માણ કરીએ.
ડાંગના ખ્રિસ્તી સમુદાયે ઉલ્લાસભેર નાતાલની ઉજવણી કરી પ્રેમ અને શાંતિનો સંદેશો આપ્યો હતો. આ દિવસે ચર્ચને ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. પ્રભુ ઈસુએ ગબાણમાં જન્મ થયો હોવાથી ચર્ચની બાજુમાં એક નાની ઝુંપડી બનાવી તેમાં ઈસુના જન્મનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. નાતાલ ઉજવણી કાર્યક્રમ બાદ મીસ પ્રાર્થના કરી લોકોએ એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે ક્રિસમસ તહેવાર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડાંગ જિલ્લાની તમામ ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે ફાજલ થયેલા સ્ટાફને ક્રિસમસ તહેવાર નિમિત્તે ગામડાઓના બંધોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો.