ડાંગઃ જિલ્લાનાં માંળુગાથી ત્રણ કીમીનાં અંતરે આવેલી મહારાષ્ટ્ર રાજ્યના સુરગાણા ગામ ખાતે આજરોજ બુધવારે એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા સરહદીય ગામડાઓનું જનજીવન સતર્ક બન્યુ હતું. જેના પગલે સાપુતારા પોલીસની ટીમે માંળુગા અને બરમ્યાવડ એન્ટ્રી ચેકપોસ્ટ ખાતે સઘન સુરક્ષા ગોઠવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લો પણ કોરોનામુક્ત બન્યા બાદ થોડા દિવસ પૂર્વે બે કેસ સામે આવતા જિલ્લો ગ્રીન ઝોનમાંથી ઓરેન્જ ઝોન તરફ ધકેલાયો છે. બુધવારે ડાંગ જિલ્લાના સરહદીય વિસ્તારનાં માંળુગાથી ત્રણ કી.મીનાં અંતરે આવેલા મહારાષ્ટ્ર રાજયના સુરગાણા ગામ ખાતે એક આરોગ્યકર્મીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ડાંગ જિલ્લાનાં સરહદીય ગામડાઓનું જનજીવન સતર્ક બન્યુ હતું.
હાલ, અનલોક-1 અંતર્ગત જનજીવનને થોડા અંશે છૂટછાટ મળી હતી. જિલ્લાનાં સરહદીય વિસ્તારનાં 3 કી.મીમાં આવતા મહારાષ્ટ્ર રાજ્યનાં સુરગાણા ગામ ખાતે આજરોજ બુધવારે કોરોના પોઝીટીવ એક કેસ સામે આવતા ડાંગ જિલ્લા SP સ્વેતા શ્રીમાળીનાં માર્ગદર્શન હેઠળ DYSP જે.આઈ.વસાવા અને સાપુતારા PSI એમ.એલ.ડામોરે સરહદીય એન્ટ્રી ચેકપોસ્ટ એવા બરમ્યાવડ અને માંળુગા ચેકપોસ્ટ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી સુરક્ષાને વધારી દીધી છે.
આ બાબતે ડાંગ જિલ્લા પોલીસ વડા સ્વેતા શ્રીમાળી જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં મહારાષ્ટ્ર રાજ્યને જોડતા એન્ટ્રી ચેકપોસ્ટ બરમ્યાવડ અને માંળુગા ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત મુકાયો જ છે. તેમ છતાં સરહદીય વિસ્તારમાં કોરોનાનો પ્રવેશ ન થાય અને ડાંગ જિલ્લાનું જનજીવન સુરક્ષિત રહે તે માટે હુ હાલમાં જ સઘન પેટ્રોલીંગ અને આ બન્ને એન્ટ્રી ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવવા માટેની સૂચનાઓ આપું છુ.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારી એવા કોરોના વાઈરસના કેસ દેશભરમાં દિવસેને દિવસે વધી રહ્યાં છે. કોરોના વાઈરસના સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં નોંધાયા છે, ત્યારે સંક્રમણમાં વધારો ન થયા તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.