ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડો. કિરણ સી.પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને કાંતિલાલ જે.પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સર્વરોગ મેડિકલ સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટીના ડિન ડો. ડેનિયલ ઓલશને મેડિકલ કેમ્પને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, અહીં ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના લોકોની સેવા કરવાનો એક લ્હાવો છે. અમારા યુવા ડોકટરોને એક નવો અનુભવ મળશે.
આ કેમ્પમાં આવનારા તમામ લોકોને સ્વાસ્થ સંબધી રોગોની સારવાર વિનામૂલ્યે કરીશું. આ કેમ્પથી વેસ્ટર્ન મેડિકલ સાયન્સ અને ભારતીય મેડિકલ સાયન્સ વચ્ચે જ્ઞાનની આપ-લે થાય છે. અમારા મેડિકલના વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહી છે. અમે વધુમાં વધુ લોકોને સારવારમાં મદદરૂપ બનીએ એવી અપેક્ષા છે.
હોસ્પિટલના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો. નિર્મલ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી તેઓ નોવા સાઉથ યુનિવર્સિટી અને ડાંગના લોકલ સરકારી તંત્ર સાથે મળીને દર વર્ષે ડિસેમ્બરમાં ફ્રી કેમ્પનું આયોજન કરે છે. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન ડોકટરો દ્વારા કરવામાં આવતી સારવારનો પણ ડાંગની પ્રજાને લાભ મળે અને પ્રજાનું હિત થાય તે જરૂરી છે.