- ડાંગમાં "વિશ્વ ક્ષય દિવસ"ના કાર્યક્રમની ઉજવણી
- ટીબીના 50 દર્દીઓને અનાજની કીટનું વિતરણ કરાયું
- "મારુ ગામ, ટીબી મુક્ત" ગામની સંકલ્પના સિદ્ધ કરવાના હિમાયત
ડાંગ : આહવાના ઐતિહાસિક ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે આયોજિત "વિશ્વ ક્ષય દિવસ"ના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન ક્ષય અને રક્તપિત્ત નિવારણ કેન્દ્ર-ગણદેવી નવસારીના સેવાભાવિ સજ્જ્ન લક્ષ્મીચંદ શાહ દ્વારા ડાંગ જિલ્લાના 50 જેટલા સારવાર લઇ રહેલા ટીબીના દર્દીઓને અનાજની કીટ તથા ધાબળાનુ વિતરણ કરાયું હતુ. શાહે માનવ સેવાને જ પ્રભુ સેવા ગણાવતા આ સેવા કાર્યમાં જોડાયેલા આરોગ્ય વિભાગ સહિત સામાજિક કાર્યકરો અને જુદા-જુદા વિભાગોના કર્મયોગીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.
આ પણ વાંચો : પોરબંદરના રાણાવાવ ખાતે ટીબીના આધુનિક મશીનનું લોકાર્પણ કરાયું
ટીબીના દર્દીઓને પડખે રહેલા જિલ્લા ક્ષય અધિકારીની અપીલ
ડાંગ જિલ્લાના નવનિયુક્ત તાલુકા/જિલ્લા પંચાયતના યુવા સદસ્યોને રાજરોગ ગણાતા ક્ષય રોગને દેશવટો આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકર કરવા માટે શપથ લેવડાવવામાં આવી હતી. ક્ષય રોગના છુપા દર્દીઓને શોધવાની આરોગ્ય વિભાગની ઝુંબેશમા સહયોગી થવાની અપીલ કરવામા આવી હતી. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ટીબીના એક્ટિવ દર્દીઓની પડખે રહીને તેમની સારવાર પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાની હિમાયત કરવામાં આવી છે. જિલ્લામાં ક્ષય અધિકરી ડૉ.પોલ વસાવાએ "મારુ ગામ, ટીબી મુક્ત" ગામની સંકલ્પના સિદ્ધ કરવાના કાર્યક્રમમાં યોગદાન આપવાની સૌને હિમાયત કરી હતી.
જિલ્લામાં ટીબીના દર્દીઓને શોધવા માટેની કામગીરી શરૂ
ડૉ. વસાવાએ ટીબીના સામાન્ય લક્ષણો, તેનુ જિલ્લામાં પ્રમાણ, નિદાન અને સારવાર સહિતની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપ્યો હતો. ટીબીના દર્દીઓ માટેની "નીક્ષય પોષણ" યોજનાની જાણકારી પૂરી પાડી હતી. ડાંગ જિલ્લામાં તારીખ 22 માર્ચથી 25 માર્ચ 2021 દરમિયાન ગામની આશા દ્વારા ઘરે-ઘરે ફરીને શંકાસ્પદ ટીબીના દર્દોને શોધવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે. તેમાં જન પ્રતિનિધીઓને સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી.