- કોંગ્રેસના ગઢમાં ભાજપનો વિજય
- કોંગ્રેસ છોડીને ભાજપ પક્ષમાં આવેલા ઉમેદવારોની જંગી બહુમતી સાથે જીત
- જિલ્લા પંચાયતની 18 માંથી 17 બેઠકો ભાજપના ફાળે ફક્ત 1 સીટ ઉપર કોંગ્રેસ
- જિલ્લાનાં 3 તાલુકા પંચાયતની કુલ 48 બેઠકો માંથી 41 ભાજપ 07 કોંગ્રેસ
ડાંગ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની મતગણતરીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષનો ભવ્ય વિજય થયો છે. ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 17 બેઠકો ઉપર ભાજપાનાં ઉમેદવારોની ભવ્ય જીત થતા ડાંગ ભાજપાનાં ઉમેદવારો સહિત કાર્યકર્તાઓએ વિકાસની જીત ગણાવી ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી 01 કાલીબેલ જિલ્લા પંચાયતની સીટ કૉંગ્રેસનાં ફાળે આવી હતી.
આ પણ વાંચો: ડાંગમાં કોંગ્રેસને ફટકો, 153 કોંગ્રેસી કાર્યકર્તા ભાજપના રંગમાં રંગાયા
જિલ્લા પંચાયતમાં પ્રથમવાર ભાજપની બહુમતી
ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતની 17 બેઠકો ઉપર પ્રથમ વખત ભાજપનાં ઉમેદવારોને ભવ્ય જીત મળી છે. જ્યારે આહવા,વઘઇ અને સુબિર તાલુકાની કુલ-48 બેઠકોમાંથી 41 બેઠકો ઉપર ભાજપનાં ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે. જ્યારે 3 તાલુકા પંચાયતની 48 બેઠકો પૈકી આહવા તાલુકા પંચાયતમાં 03 બેઠકો,વઘઇ તાલુકા પંચાયતમાં 02 બેઠકો તથા સુબિર તાલુકા પંચાયતની 02 બેઠકો કૉંગ્રેસનાં ફાળે આવી હતી.
કોંગ્રેસનો ગઢ ડાંગ જિલ્લામાં કોંગ્રેસને નહીવત બેઠકો
કોંગ્રેસનો ગઢ ગણાતો ડાંગ જિલ્લામાં આંગળીનાં ટેરવે ગણી શકાય તેટલી જ 3 તાલુકા પંચાયતની 07 સીટો કોંગ્રેસને ફાળે આવતા અને જિલ્લા પંચાયતની 01 સીટ ફાળે આવતા ડાંગ કૉંગ્રેસ વિપક્ષમાં બેસવા માટે પણ લાયક ન રહેતા હતાશાનાં ગર્તામાં ધકેલાઈ જવા પામી છે. ડાંગ કોંગ્રેસને રામ-રામ કરી ભાજપ પક્ષમાં જોડાઈ ભાજપનાં મેન્ડેડ ઉપર ચૂંટણી લડનારા નેતાઓની ભાજપ પક્ષમાં જંગી બહુમતી સાથે વિજય થયો છે. ભાજપ પક્ષે જિલ્લા અને તાલુકામાં તમામ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષમાં પણ નવયુવાનો મેદાનમાં હતા.
ભાજપની ભવ્ય જીત-ભાજપના અગ્રણીઓએ ગજાવી હતી સભાઓ
ડાંગ જિલ્લામાં વિધાનસભાની જંગી બહુમતી બાદ ભાજપ તરફી માહોલ બની ગયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર અર્થે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, અશોક ધોરજીયા, પ્રદેશ પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલે ડાંગમાં સભાઓ ગજવી હતી. કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ડાંગ જિલ્લામાં ખુણે-ખૂણે ફરીને તમામ કોંગ્રેસનાં સમર્થકોને ભાજપમાં જોડ્યા હતાં. પરંતુ ભાજપ પાસે પોતાના ઉમેદવાર ન રહેતાં કોંગ્રેસ પક્ષના નેતાઓને બોલાવવામાં આવ્યાં હતાં. કોંગ્રેસનાં મેન્ડેન્ટ ઉપર વર્ષોથી જીતનાં એક્કા એવા કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, ચંદરભાઈ ગાવીત, લાલભાઈ ગાવીત, હરીશભાઈ બચ્છાવ, ભરતભાઈ ભોયે, લક્ષ્મીબેન ચૌધરી, નિલેશભાઈ બાગુલને ભાજપે ટિકિટ આપી હતી. ચૂંટણી પરિણામો સામે આવતાં ભાજપની ભવ્ય જીત થઈ હતી, પરંતુ કોંગ્રેસનાં તમામ પૂર્વ નેતાઓ જંગી બહુમતી સાથે ભાજપ પક્ષમાં વિજયી બન્યાં હતાં.