- વઘઇનાં જંગલ વિસ્તારમાં 12 કાગડાના થયા હતા મોત
- જેમાંથી 4 કાગડાના મૃતદેહને તપાસ અર્થે ભોપાલ મોકલાયા
- બર્ડ ફલૂના કારણે એક કાગડાનું મોત
- બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર થયું એલર્ટ
ડાંગ : જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામેની તરફ જંગલ વિસ્તારમાં 12 કાગડાઓના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત સાકરપાતળમાં 2 કાગડાઓના મોત નિપજ્યા હતા. કાગડાઓના અચાનક મોત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના બાદ બર્ડ ફ્લૂના એંધાણ સાથે જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ જંગલ વિસ્તારમાં કાગડા મૃત હાલતમાં મળી આવતા તંત્ર હરકતમાં આવ્યૂ હતું. વઘઇ તાલુકા મામલતદાર, પશુપાલન અધિકારી, અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી નજીકના પોલટ્રી ,મરઘાં ઉછેર,અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા તમામની મુલાકાત લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
એક કાગડાનો સેમ્પલ પોઝિટિવ આવ્યો
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામેની તરફ જંગલ વિસ્તારમાં કાગડાના મોતને લઈને તંત્ર દ્વારા ચાર મૃત કાગડાઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલી અપાયા હતા. જે કાગડાના રિપોર્ટ પોઝેટિવ આવતા હવે ડાંગ જિલ્લામાં બર્ડ ફલૂનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. એક કાગડાનું મોત બર્ડ ફલૂના કારણે થયું હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર એલર્ટ થયું છે.