- એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડ
- સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂક
- નાયબ પોલીસ અધિક્ષક બન્યાં બાદ ETV ભારત સાથેની ખાસ વાતચીત
ડાંગ: ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા, ગુજરાતની સરિતા ગાયકવાડને નવરાત્રિના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક બન્યાં બાદ સરિતાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને પાઠવી શુભેચ્છા
ભારત અને ગુજરાત રાજ્યનાં ગૌરવ સમાન ડાંગ જિલ્લાની ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી સરિતા ગાયકવાડની ગુજરાત સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને સરિતા ગાયકવાડને અભિનંદન આપ્યાં હતાં.
DySP સરિતા ગાયકવાડની ETV ભારત સાથે ખાસ વાતચીત
સરિતા ગાયકવાડે etv ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ખેલ મહાકુંભ થકી આગળ આવ્યાં છે. સરકારના ખેલ મહાકુંભ કાર્યક્રમનાં લીધે તેઓને સફળતા મળી છે. સરકાર દ્વારા તેમને DySP તરીકે નિમણૂક આપવામાં આવી છે. ત્યારે તેમણે ખાસ પોતાના માતા પિતાને યાદ કર્યા હતા તેમનો આભાર માન્યો હતો. સરિતા ગાયકવાડે એશિયન ગેમ્સ એથ્લેટીક્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. વધુમાં તેઓ જણાવે છે કે, અત્યારે દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દરેક દીકરીઓ મહેનત કરે તો તેઓને ચોક્ક્સથી ફળ મળશે. ઘણી છોકરીઓ સરિતા ગાયકવાડ બની શકે છે.
ગોલ્ડ મેડાલિસ્ટ અને DySP સરિતા ગાયકવાડનું બેકગ્રાઉન્ડ
સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામની વતની છે. સરિતાનો ઉછેર સામાન્ય પરિવારમાં થયો છે. બાળપણથી ખેલકુદમાં રુચિ ધરાવનાર સરિતા ખો-ખોની પ્લેયર હતી. કોલેજ દરમિયાન દોડ સ્પર્ધામાં રુચિ ધરાવતા તે દોડ ક્ષેત્રે આગળ વધી. સરિતાને સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષકની પદવી આપતાં ડાંગ વહીવટી તંત્ર અને ડાંગ જિલ્લાના લોકોએ સોશિયલ મીડિયા થકી શુભેચ્છાઓ પાઠવી હતી.