- ટાંકલીપાડા ગ્રામ પંચાયતના 6 સભ્યોએ સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી
- સરપંચ દ્વારા મનસ્વી વહીવટ ચલાવતા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી
- આજે વિશ્વાસ મતની બેઠકમાં સરપંચ વિરૂદ્ધની દરખાસ્ત મંજૂર કરવામાં આવી
ડાંગઃ ટાંકલીપાડા ગ્રામ પંચાયતમાં પંચાયતના 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. સરપંચ દ્વારા મનસ્વી વહીવટના કારણે આ દરખાસ્ત મૂકવામાં આવી હતી. સત્તાની ખુરશીની રમતમાં સામ, દામ અને દંડની નીતિનો અખત્યાર કરી સરપંચની ખુરશી આખરે 6 ચૂંટાયેલા સભ્યોએ છીનવી લીધી છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ટાંકલીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ચમાર કાળુભાઈ ભોયે ચૂંટાઈ આવ્યા હતા. ટાંકલીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના આ સરપંચ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના વિકાસકીય કામો એસ્ટિમેન્ટ કે સ્થળ ચકાસણી વગર કરાઈ રહ્યા છે. તથા અમુક કામોનું બહુમતીથી બજેટ પાસ ન થયેલ હોવા છતાંય પોતાની રીતે મનસ્વી કામો કરી રહ્યા છે.
સરપંચના મનસ્વી વહીવટથી કંટાળી અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી
ગ્રૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં સભ્યોનાં ધ્યાન બહાર અને વિશ્વાસમાં લીધા વગર બોગસ કામો કરતા ટાંકલીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના કુલ ચૂંટાયેલા 8 સભ્યોમાંથી 6 સભ્યોએ સરપંચ ચમાર કાળુભાઈ ભોયે વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ અરજી તલાટીકમ મંત્રી સહિત આયોજન સહતાલુકા વિકાસ અધિકારીને આપી હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ અરજી સંદર્ભે બહુમતી પૂરવાર કરવા માટે તા.11-01-2021એ ટાંકલીપાડા ગ્રૃપ ગ્રામ પંચાયતમાં તલાટીકમ મંત્રીનાં અધ્યક્ષતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેઠક યોજાઈ હતી.
વિશ્વાસ મતની બેઠકમાં સરપંચ વિરુદ્ધ સભ્યોએ મત આપ્યો
ટાંકલીપાડા ગ્રૃપ ગ્રામ પંચાયતનાં કુલ ચૂંટાયેલા 8 સભ્યોમાંથી 6 સભ્યોએ સરપંચ ચમાર કાળુભાઈ ભોયે વિરૂદ્ધ હાથ ઊંચો કરી બહુમતી પસાર કરી હતી. જ્યારે સરપંચને પોતાનો એક મત તથા સભ્યોના બે મતો મળી કુલ 3 મત જ મળતા તેની ખુરશી છીનવાઈ ગઈ હતી. આખરે ટાંકલીપાડા ગ્રૃપ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા 06 જેટલા સભ્યોએ મક્કમ રહી બહુમતી પસાર કરતા સરપંચ ચમારભાઈ ભોયેને સરપંચ પદની ખુરશી છીનવાઈ ગઈ હતી.