ડાંગ જિલ્લાના નાની દાબદર ગામનાં યુવક ફાધર કિશોરભાઈ જેઓએ 14 વર્ષની તાલીમ પુરી કરી હતી. આ તાલીમ બાદ રવિવારે ગુજરાત ઈસુ સંઘ પુરોહિતોની ઉપસ્થિતમાં વિધિવત રીતે તેમને પુરોહિત બનવાની દિક્ષા લીધી હતી. આ પ્રસંગે તેમના માતા પિતા કુટુંબીજનો, ગુજરાત ઈસુ સંઘી પરિવારોની સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
ઈસુ સંઘી પુરોહિત બનવા માટે સતત 14 વર્ષ સુધીનો અભ્યાસ કરવો પડતો હોય છે. જેમાં તેમની સ્વ-ઈચ્છા, યોગ્યતા અને લાયકાતને તપાસવામાં આવે છે. પ્રથમ બે વર્ષના અભ્યાસ બાદ તે પોતે ઈચ્છા બતાવે તો, તેને આગળ અભ્યાસ માટે મોકલવામાં આવે છે. આ અભ્યાસમાં ફિલોસોફી, થિયોલોજિ(ઈશ્વરી વિદ્યા)નો અભ્યાસક્રમ આવે છે. જો તે આ પરીક્ષાઓ પાસ કરે, અને ત્યારબાદ રાજીખુશીથી આગળ આવવા માંગે, તો તેની દિક્ષા વિધિ કરવામાં આવે છે. દિક્ષા લીધા બાદ તે પુરોહિત તરીકે જોડાય છે. તેને ગરીબી, આજ્ઞાધીનતા અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે.

આદિવાસી પરંપરાગત રીતે જે લગ્ન વિધિ થાય છે, એ જ રીતે દિક્ષા લેનારની પણ જાન કાઢવામાં આવી હતી. લગ્ન બાદ પતિ પત્ની એકબીજા સાથે જોડાઈ જાય છે, એ રીતે જ દિક્ષા લેનારને ઈસુ સંઘ સાથે જોડાવાનું હોય છે. આ વિધિમાં ડાંગી નાચ આકર્ષણનું કેદ્ર બન્યો હતો. આદિવાસી સંગીતના વાદ્યોના તાલે આખી વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

પુરોહિત દિક્ષા માટે ઈસુ સંઘના વડાની ઉપસ્થિતી ખુબ જ જરૂરી હોય છે. બિશપ દ્વારા દિક્ષા આપવામાં આવે છે. જેમાં અન્ય પુરોહિતગણ અને સામાન્ય લોકો પણ હાજર હોય છે. પીંપરી જીવન જ્યોત શાળા ખાતે યોજાયેલી પુરોહિત દિક્ષા વિધિમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, વઘઇ તાલુકા પ્રમુખ સંકેત બંગાળ, સરપંચ હેમંતભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. પીંપરી તાબાના ફાધર યોવન અને ઇશ્વેની આથાક મહેનત વડે આ કાર્યક્રમ સફળ બન્યો હતો.