ડાંગઃ જિલ્લાનું ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડ કે જેમનો 2018મી એશિયન ગેમ્સમાં ભારત દેશનું નામ વિશ્વફલક પર ગુંજતુ કર્યું હતું. જાકાર્તા ખાતે રમાયેલી 4/400 રીલે દોડમાં સરિતા ગાયકવાડે ફોર પ્લેયરમાં ભાગ લઈ ડાંગ, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું હતું.
ડાંગની દિકરીને કોઈપણ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં તત્કાલિન કલેકટર તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રમતવીરમાં રહેલી ખેલ પ્રતિભાને પારખીને તેને જરૂરી સગવડો અપાવવા અને ખૂટતી કડીનું કામ કરવા માટેની પ્રતિબદ્ધતા સાથે ખૂબ જ સંવેદના રાખવામાં આવી હતી.
ડાંગ કલેકટર એન. કે. ડામોરના અધ્યક્ષ સ્થાને પાણી પુરવઠા વિભાગ તથા વાસ્મો યોજનાના અધિકારીઓ સાથે પાણી પુરવઠાઓની યોજના, પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સમયાંતરે બેઠક યોજાય છે. જેમાં ઉનાળામાં પીવાના પાણીની મૂશ્કેલીઓ અંગે સુચારૂ માર્ગદર્શન આપવામાં આવે છે.
પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી. બી. પટેલે કરાડીઆંબા ગામની પીવાના પાણીની મુશ્કેલી અંગે જણાવ્યું હતું કે, સરિતા ગાયકવાડનું ગામ ડાંગ જિલ્લામાં સહ્યાદ્રીની ગિરિમાળા વચ્ચે મહારદર ગૃપ ગ્રામ પંચાયત જેમાં કુલ 7 ગામો આવેલા છે. જેની કુલ વસ્તી 6202 છે. જેના માટે વર્ષ 1988માં રૂ. 58.52 લાખના ખર્ચે પાણી પુરવઠાની યોજના મંજૂર કરાઇ હતી.
દેશનું ગૌરવ પાણીમાં, ‘ગોલ્ડન ગર્લ’ સરિતા પાણી ભરવા માટે 1 કિમી દૂર જવા મજબૂર...
આ યોજના 1992માં કાર્યાન્વિત થઇ હતી અને આજપર્યંત ચાલુ છે. જેમાં 10,000 લીટર કેપેસીટીની કુલ 2 ટાંકીઓમાં પાણી પુરવઠો દૈનિક ધોરણે પુરો પાડવામાં આવે છે. વધુમાં કરાડીઆંબા ગામે અંદાજીત 300થી 700 મીટરના અંતરે 2 કુવા આવેલા છે.
કુમારી સરિતા ગાયકવાડના ઘર આંગણે પાણીની સુવિધા માટે પાણી પુરવઠા અને વાસ્મોની ટીમ દ્વારા સરકારી બોરમાં મોટર દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે માર્ચ માસથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સરિતાબહેન ઘરે ન હતા.
સરિતા ગાયકવાડ વતન આવ્યા બાદ તેમની સૂચવ્યા મુજબ પાણીની ટાંકીની જગ્યા બદલાતા તેમજ કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે વધુ સવલત માટેની પાણીની સુવિધા પહોંચાડવામાં વિલંબ થયો હતો. જો કે, ગુરૂવારે કુમારી સરિતા ગાયકવાડના ઘર સુધી પાણીનું કનેકશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
નાયબ કાર્યપાલક ઈજનેર જયેશભાઈ માહલાએ જણાવ્યું હતું કે, સરિતાબેનનું ઘર ગામના છેવાડે હોવાથી ખાસ કિસ્સામાં 5000 લીટરની ટાંકીની વધારાની અને દરેક વ્યક્તિને 40 લીટર પાણી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે.
કુમારી સરિતા ગાયકવાડને તેમની સિદ્ધિઓ બદલ રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ તાબડતોબ રૂપિયા 1 કરોડના ઈનામની રાશીથી તે સમયે બિરદાવી હતી. આ ઉપરાંત અલગ અલગ જિલ્લાના વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે ઈટીવી ભારતે બુધવારે સરિતા ગાયકવાડને પીવાના પાણીની પડી રહેલી સમસ્યા અંગે ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલીક કામગીરી હાથ ધરી હતી.