ડાંગઃ કોરોના વાઇરસની મહામારીને કારણે 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી જાહેરમાં ન કરતા લોકો પોતાના ઘરે જ પરિવાર સાથે કરવાની રહેશે. જિલ્લા સેવા સદન, આહવા ખાતે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવણી અંગે બેઠક યોજાઇ હતી.
ડાંગ કલેક્ટર એન.કે.ડામોરે તમામ કચેરીઓના અધિકારીઓને જણાવ્યું હતું કે, સૌ કર્મચારી/અધિકારીઓએ કોરોના મહામારીને કારણે વિશ્વ યોગ દિવસની ઉજવણી પોતાના ઘરે જ પરિવાર સાથે કરવાની રહેશે.
તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સરકારની સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. જિલ્લા, તાલુકાની તમામ કચેરીઓ અને શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ, આરોગ્ય, આશાવર્કરો, નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો પોતાના ઘરે જ રહી યોગામાં ભાગ લેશે. એકત્રિત થયા વિના યોગામાં ભાગ લેનારા લોકોએ YogaAtHome, YogaWithFamilyનો કોન્સેપ્ટ અપનાવવાનો રહેશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કચેરી, વિભાગ/ઓર્ગેનાઈઝેશન અંતર્ગત કેટલા લોકોએ ભાગ લીધો તેની માહિતી એક્સેલ સીટના નિયત નમૂનામાં અંગ્રેજીમાં તૈયાર કરી 21 જૂન સુધીમાં ઈ-મેઇલ આઈ.ડી. dsodang13@gmail.com પર મોકલી આપવાની રહેશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોર, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા, સિનિયર કોચ, રમત-ગમત કચેરી યુવા પ્રાંત રાહુલ તડવી, નેહરૂયુવા કેન્દ્રના યુવા સંયોજક અનુપ ઈંગોલા સહિત અધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા.