ડાંગઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી સમગ્ર દુનિયાને ભરડામાં લીધી છે. સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કહેર માનવજાતને ઘેરી રહ્યો છે. આપણાં દેશમાં કોરોના વાઇરસની એન્ટ્રી થતા જ દેશના વડાપ્રધાન દ્વારા દેશમાં 21 દિવસના લોકડાઉનને અમલ બનાવીને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા અનેક પગલાઓ લેવાઇ રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો ડાંગ છે. હાલમાં જ કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ કોરોના વાઇરસને અટકાવવા સરકારના દિશા-નિર્દેશ અનુસાર પગલા લેવાઇ રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમ જિલ્લાની તમામ સરહદો પર આરોગ્ય વિભાગ, પોલીસ અને વનવિભાગની ટીમ ખડે પગે 24 કલાક ફરજ બજાવી રહી છે. લોકડાઉન અમલ થયુ ત્યારથી તમામ માર્ગો પર ઘનિષ્ઠ ચેકિંગ થઇ રહ્યું છે. બહારથી આવનારા વ્યક્તિઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.
જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક 10 આઈ.સી.યુ. અને 90 બેડ કોમન એમ કુલ 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ડાંગ નાનો જિલ્લો હોવાથી બીજી 100 બેડની હોસ્પિટલ વાંસદા ખાતે ઉદિત હોસ્પિટલના સહયોગથી તૈયાર કરાઇ રહી છે. વધુમાં વઘઇ, શામગહાન અને સુબીર પી.એચ.સી. ખાતે 5-5 બેડ ક્વોરન્ટાઇન કરી શકાય તેવી આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લામાં 3 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે.
લોકડાઉનના સમય દરમિયાન ગરીબ પરિવારો, વિધવા બહેનો, ખેત-મજૂરો તેમજ રોજ કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારો માટે રાજ્ય સરકારે એન.એફ.એસ.એ.હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતુ. સરકારની સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ ગામડાઓમાં રહેતા લોકોની મદદે આવ્યા હતા અને અનાજની કીટનુ વિતરણ કર્યુ હતુ. વધુમાં બાકી રહેતા તમામ કુટુંબો માટે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા 70 હજારથી વધુ કીટોનું વિતરણ કરીને જિલ્લામાં એકપણ વ્યક્તિ અનાજ વગર ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી હતી.
કોરોના વાઇરસને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન પણ શરૂ કરાયું હતુ. શરદી-ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓ હોય તેઓને શોધી શોધીને આરોગ્યની ચકાસણી હાલ ચાલી રહી છે.