ડાંગ: લોકડાઉન પહેલા ડાંગ જિલ્લાનાં કોંગ્રેસી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજીનામુ આપી દેતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારબાદ કોરોના ના પગલે લોકડાઉન જાહેર થતા રાજ્યસભાની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.
હવે રાજ્યસરકાર દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે 19મી જૂનની તારીખ જાહેર કરાતા નવા વળાંકો આવવા પામ્યા છે, ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય મંગળભાઈ ગાવીતનાં રાજીનામા બાદ કપરાડાનાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પણ રાજીનામુ આપી દેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. જેને કારણે કોંગ્રેસી કાર્યકરોનું મનોબળ તૂટી જવા પામ્યુ હતુ, તેવામાં તેમનું મનોબળ મજબૂત કરવા માટે આદિવાસી કોંગ્રેસી ધારાસભ્યોએ કાર્યકરો સાથે બેઠક કરી નવી નીતિ ઘડી હતી.
શુક્રવારે ડાંગ જિલ્લામાં કોંગેસી નેતા તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ કોર કમિટીના સભ્ય ગૌરવ પંડયાના અધ્યક્ષ સ્થાને વાંસદાના ધારાસભ્ય અંનત પટેલ, વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત, છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય સુખારામ રાઠવા, દાહોદના ધારાસભ્ય ચંદ્રિકા બારીયા અને વજેસીભાઈ પણદા, રાજપીપળાના ધારાસભ્ય પી. ડી. વસાવા, ઝાલોદના ધારાસભ્ય ભાવેશ ખટાણા, આમ દક્ષીણ તથા મધ્ય ગુજરાતના 8 ધારાસભ્યો તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોતીલાલ ચૌધરી અને જિલ્લા તેમજ તાલુકાના ચૂંટાયેલા હોદ્દેદારો, અને કાર્યકરોએ શુક્રવારે ડાંગ જિલ્લાના ઉત્તર વિસ્તારમાં આવેલ માયાદેવી,ભેંસકાતરી,કાલીબેલ, પાંઢરમાળ, અને આહવા ખાતે કોંગ્રેસી આગેવાનોનું મનોબળ મજબૂત કર્યુ હતું.