ડાંગ: જિલ્લામાં જૂન મહિનાનાં શરુવાતની સાથે વરસાદી માહોલની શરૂઆત થઈ હતી. બાદમાં જુલાઈ મહિનામાં અચાનક વિરામ લેતા ખેડૂતો ચિંતાતુર બની બેબાકળા બન્યા હતા. બાદમાં ઓગષ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં પણ વરસાદે વરસવાનાં નામે ગતકડા જ કરતા ડાંગી ખેડૂતોની પરિસ્થિતિ વિકટ બની હતી. હાલમાં ઓગષ્ટ મહિનાનાં બીજા અને ત્રીજા સપ્તાહમાં મેઘ મહેર મહેરબાન થતા ડાંગનાં સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળવા પામી છે.
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર સ્વરૂપેનો સાર્વત્રિક વરસાદ તૂટી પડતા જિલ્લાની અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓમાં ઘોડાપુર પાણીનાં દ્રશ્યો નિહાળવા મળી રહયા છે. સાથોસાથ ડાંગ જિલ્લાનાં જંગલ વિસ્તારમાં આવેલ ઝરણા, વહેળા, કોતરડા, નાળા અને જળધોધ પણ હાલમાં અખૂટ પાણીનાં જથ્થા સાથે બહાર ફૂટી નીકળતા સમગ્ર દ્રશ્યો નયનરમ્ય બની ગયા છે. હાલનાં છેલ્લા ચારેક દિવસથી ડાંગ જિલ્લા સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ડાંગની નદીઓ ઓવરફ્લોની સાથે ધસમસતા વહેણવાળી બની છે.
જેમાં મંગળવારે સરહદીય તેમજ ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદનાં પગલે સતત ત્રીજા દિવસે પણ અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીએ સાતથી વધુ નીચાણવાળા કોઝવેને બાનમાં લઈ કલાકો સુધી ઊંડા પાણીમાં ગરક થતાં મંગળવારે 10થી વધુ ગામડાઓનું જનજીવન સહિત પશુપાલન પ્રભાવિત થયુ હતુ. મંગળવારે વરસાદનાં પગલે (૧) નાનાપાડા-કુમારબંધ કોઝવે (૨) સુપદહાડ-સૂર્યાબરડા કોઝવે (૩) ધોડવહળ વી.એ.કોઝવે (૪) માછળી-ચીખલા-દિવડ્યાવન કોઝવે (૫) કુડકસ-કોશિમપાતળ કોઝવે તથા (6)સતી-વાંગણ-કુતરનાચીયા કોઝવે જે સતત ત્રીજા દિવસે પણ ઊંડા પાણીમાં ગરક જોવા મળ્યા હતા. આ કોઝવેકમ પુલોમાંથી ત્રણેક કોઝવે ઉપરથી સાંજે પાણી ઓસરી જતા પાંચેક ગામડાઓનું જનજીવન ધબકતુ થયુ હતુ.
ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે હાલમાં વરસાદી હેલીઓની વચ્ચે ગાઢ ધુમ્મસના વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા સમગ્ર સ્થળોનાં દ્રશ્યો મનમોહક બન્યાં છે. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 08 મિમી ,વઘઇ પંથકમાં 12 મિમી, સાપુતારા પંથકમાં 23 મિમી, જયારે સુબીર પંથકમાં 38 મિમી કુલ 1.52 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.