- ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો
- નવા 5 પોઝિટિવ કેસ આવ્યાં સામે
- જિલ્લામાં કુલ કેસની સંખ્યા 191 થઈ
ડાંગઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આજે શુક્રવારે જિલ્લામાં કોરોનાના 5 કેસ સામે આવ્યાં છે. નવા કેસની સાથે જ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 191 થઈ છે. જિલ્લામા 13 કેસ એક્ટિવ છે. જ્યારે 176 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામા આવી છે, અને 2 દર્દીઓનું મોત થયું છે.
આરોગ્ય વિભાગે અત્યાર સુધી 38,252 સેમ્પલ લીધા
આરોગ્ય વિભાગે અત્યાર સુધી 38,252 સેમ્પલ લીધા છે. જે પૈકી 38,002 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. 56 સેમ્પલના રિપોર્ટ પેન્ડિગ છે. તારિખ 1 એપ્રિલે લેવાયેલા 67 પૈકી 62 RT-PCR સેમ્પલ નેગેટિવ, અને 5 સેમ્પલના રિપોર્ટ પોઝેટિવ આવ્યાં છે.
આ પણ વાંચોઃ સુરતમાં પ્રાઇવેટ હોસ્પિટલ ફૂલઃ મનપાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
આહવામાં લોકોની ભીડના કારણે કોરોનાં સંક્રમણમાં વધારો
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક કે જ્યાં જિલ્લા કક્ષાની તમામ સરકારી કચેરી, આહવા તાલુકાની તમામ કચેરીઓ ઉપરાંત વિવિધ બેંકો, પોસ્ટ ઓફિસ, ટેલિફોન એક્સચેન્જ, જિલ્લા/તાલુકાની મોટાભાગની સહકારી મંડળીઓની ઓફિસો, જુદી જુદી શાળા/કોલેજો આવેલી હોવાથી લોકોની ભીડ એકઠી થાય છે. તેમજ જિલ્લા અને જિલ્લા બહાર આવન-ગમન માટે એક માત્ર એસ.ટી. બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓ, દવાની દુકાનો, બાઇક અને કારના ડિલરો, ગેરેજ, પેટ્રોલ પંપ ઉપરાંત રોજબરોજની તમામ ચીજવસ્તુઓ માટેની નાની-મોટી દુકાનો આવેલી છે. જેને કારણે અહીંયા દિવસ દરમિયાન સમગ્ર ડાંગ જિલ્લામાંથી માનવ કીડીયારું ઉભરાય છે.
હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ
લોકો સરકારી તથા ખાનગી વાહનોમા સવારથી સાંજ સુધી આહવા ખાતે આવતા હોય છે. તેવા સંજોગોમા આહવા ખાતે મિશનપાડા, પટેલપાડા, ગાંધી કોલોની, જવાહર કોલોની, સહયોગ સોસાયટી, બંધારપાડા, સહિત વઘઈ સ્થિત પ્રમુખ સ્વામી સોસાયટી, ભરવાડ ફળિયુ, સુબિર, મોખામાળ, ધુડા, ચિરાપાડા, ખાતળ જેવા વિસ્તારોમાં "કન્ટેઇનમેન્ટ ઝોન" માં રહેતા અંદાજીત 575 થી વધુ લોકોને "ક્વોરન્ટાઇન" કરવામાં આવ્યાં છે. તેમજ આ લોકો માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામા આવી છે. આહવા સહિત ગ્રામ્ય વિસ્તારોમા "કોરોના સંક્રમણ" આગળ ન વધે તે માટે લોકો ફરજીયાતપણે માસ્ક, અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરી, અવારનવાર તેમના હાથ ધોતા રહે તે ખૂબ જ જરૂરી બની ગયુ છે. આ બાબતે પ્રશાસનની દંડનીય કાર્યવાહીથી બચવા સાથે, પ્રજાજનો બિનજરૂરી અવર-જવર ન કરે તે પણ એટલુ જ ઇચ્છનિય છે.