ડાંગ જિલ્લાના આહવામાં આવેલા અદ્યતન સુવિધાઓથી સજ્જ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા વર્ષ દરમિયાન 45 બાળશિશુના મોતના આંકડા સામે આવ્યાં છે. ડિસેમ્બર માસ દરમિયાન 4 બાળકોના મોત થયા હતા. આહવા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોકણીએ જણાવ્યું હતું કે, આહવા સિવિલ હોસ્પિટલમાં ઇન બોર્ન 18 બાળકો જ્યારે આઉટ બોર્નના 27 બાળકોના મરણ થયાં છે.
બાળકોના મૃત્યુદર અંગે તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગના કેસોમાં બાળકોનું વજન ઓછું હોવાના કારણે બાળ મૃત્યુદરમાં વધારો થાય છે. જ્યારે અન્ય બાળકોને ઇન્ફેક્શન જેવી અન્ય બીમારીઓના કારણે તેમના મોત થયા છે. હોસ્પિટલમાં ન્યુ બોર્ન અને આઉટ બોર્ન બાળકો માટે અલગ અલગ વોર્ડની સુવિધાઓ છે.