ડાંગ: છેલ્લા અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે અનેક વિસ્તારમાં કુદરતી સોંદર્ય જોવા મળી રહ્યું છે. તો બીજી બાજૂ અનેક વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ જ એટલો હો કે જેના કારણે આવા-જવાના રસ્તાઓ બંધ થઈ જાય. સમગ્ર ડાંગ જિલ્લામાં સરેરાશ 163.33 મી.મી. મોસમનો સરેરાશ વરસાદ નોંધાઇ ચુક્યો છે. આ વરસાદને પગલે મોડી રાત્રે આહવા-સાપુતારા માર્ગ ઉપર યોગેશ્વર ઘાટના વોટર ફોલ પાસે ભૂસ્ખલન થવા પામ્યું હતું. જેને વરસતા વરસાદમાં વહીવટી તંત્રના લાશ્કરોએ હટાવતા, આ માર્ગ વાહન વ્યવહાર માટે ખુલ્લો થયો છે.

22 જેટલા ગામો પ્રભાવિત: ડાંગ જિલ્લામાં વરસેલા આ અનરાધાર વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ જિલ્લાના 15 જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા, તે વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ નહિ કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. આ માર્ગો બંધ થતાં 22 જેટલા ગામો પ્રભાવિત થયા છે.

માર્ગો બંધ: જે માર્ગો બંધ થવા પામ્યા છે તેમાં આંબાપાડા વી.એ.રોડ, ખાતળ ફાટકથી ધોડી રોડ, માછળી ચિખલા દિવડ્યાવન રોડ-1, માછળી ચિખલા દિવડ્યાવન રોડ-2, વાઝટઆંબા કોયલીપાડા રોડ, પાતળી ગોદડિયા રોડ, કાલીબેલ પાંધરમાળ વાંકન રોડ, ધોડવહળ વી.એ.રોડ, આહેરડી બોરદહાડ રોડ, ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-1, બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ-2, કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, કડમાળ થી દહેર રોડ, અને કેશબંધ જામલા બીલિઆંબા રોડનો સમાવેશ થાય છે.
